09 April, 2025 10:59 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
વિલ પકોવ્સ્કી
મેદાન પર દસથી પણ વધુ વાર ઘાયલ થનાર પકોવ્સ્કીને ડૉક્ટરની પૅનલે આપી હતી રિટાયરમેન્ટની સલાહ
રમતના મેદાન પર દસથી વધુ વાર ઇન્જર્ડ થનાર ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડર બૅટર વિલ પકોવ્સ્કીએ ૨૭ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. માર્ચ ૨૦૨૪માં છેલ્લી વાર ક્રિકેટ મૅચ રમતાં સમયે તેને શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ દરમ્યાન ઇન્જરી થઈ હતી. ક્રિકેટ-કરીઅરમાં આટલી બધી ઇન્જરીને બાદ તેના ભવિષ્યનું મૂલ્યાંકન કરવા માટે ગયા વર્ષે એક સ્વતંત્ર તબીબી પૅનલની રચના કરવામાં આવી હતી. આ પૅનલની ભલામણથી ગઈ કાલે તેણે એક રેડિયો શોમાં જાહેરાત કરી કે તે ફરીથી ક્રિકેટ નહીં રમે.
પકોવ્સ્કીએ ૨૦૨૧માં ભારત સામે ટેસ્ટ-મૅચ રમીને ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. આ મૅચમાં ૭૨ રનની ઇનિંગ્સ રમ્યા બાદ તે કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો નહોતો. નાની ઉંમરમાં ફુટબૉલના મેદાન પર થયેલી માથાની ઇન્જરીથી લઈને ક્રિકેટના મેદાન પર થયેલી દસથી વધુ ઇન્જરીને કારણે તેની ક્રિકેટ-કરીઅરનો દુખદ અંત આવ્યો છે. ૩૬ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેણે સાત સેન્ચુરી અને નવ ફિફ્ટીની મદદથી ૨૩૫૦ રન બનાવ્યા છે. તેણે ૧૪ લિસ્ટ-એ મૅચમાં એક સેન્ચુરી અને બે ફિફ્ટી ફટકારીને ૩૩૩ રન કર્યા છે.