બર્થ-ડે ગર્લ જેમાઇમાએ મુંબઈ ઇન્ડિયન્સને મજાકમાં લખ્યું, ‘તમે જ મને સિલેક્ટ કરજો!’

06 September, 2022 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની બૅટરે વિમેન્સ આઇપીએલ માટે માગી ‘સ્પેશ્યલ ગિફ્ટ’ : આઇસીસીએ મન્થ્લી અવૉર્ડ માટે કરી નૉમિનેટ

જેમાઇમા રૉડ્રિગ્સ

ભારતની ટૉપ-ઑર્ડરની બૅટર, કૉમનવેલ્થ ગેમ્સની સિલ્વર-મેડલિસ્ટ, ટીમ ઇન્ડિયાની મેમ્બર અને મુંબઈમાં રહેતી જેમાઇમા રૉડ્રિગ્સ ગઈ કાલે બાવીસ વર્ષની થઈ હતી અને એ પ્રસંગે તેને અસંખ્ય ચાહકોના, સાથી ખેલાડીઓના, વહીવટકર્તાઓના અને સગાંસંબંધીઓ-મિત્રોના મેસેજિસ આવ્યા હતા. સોશ્યલ મીડિયા પરના સંદેશાઓમાં એક મેસેજ વિક્રમજનક પાંચ વખત મેન્સ આઇપીએલનું ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સનો પણ હતો, જેમાં નીતા અંબાણીના આ ફ્રૅન્ચાઇઝીએ ટ્‍વિટર પર લખ્યું હતું, ‘ભરપૂર ટૅલન્ટ ધરાવતી અને સૌથી વાઇબ્રન્ટ ક્રિકેટર્સમાં ગણાતી ખેલાડીને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છા. હૅપી બર્થ-ડે જેમી.’

જેમાઇમા રૉડ્રિગ્સે આ મેસેજની પ્રતિક્રિયામાં સ્પેશ્યલ ગિફ્ટ આપવાના અણસાર સાથે લખ્યું કે ‘થૅન્ક યુ! વિમેન્સ આઇપીએલ માટે તમે જ મને સિલેક્ટ કરજો. એ તો હું મજાકમાં કહું છું.’

૨૦૨૩માં પ્રથમ મહિલા આઇપીએલ

સૌપ્રથમ વિમેન્સ આઇપીએલ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે. જેમાઇમા વિમેન્સ બિગ બૅશમાં મેલબર્નની ટીમ વતી રમી ચૂકી છે. ભારત વતી તેણે ૫૮ ટી૨૦માં ૭ હાફ સેન્ચુરી સહિત કુલ ૧૨૭૩ રન અને ૨૧ વન-ડેમાં ત્રણ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૩૯૪ રન બનાવ્યા છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેણે કુલ ૧૬ સિક્સર અને ૧૮૫ ફોર મારી છે.

પુરુષોમાં સિકંદર નૉમિનેટ થયો

આઇસીસીએ ગઈ કાલે જેમાઇમાને જાણીતી ખેલાડીઓ તાહલિયા મૅક્ગ્રા અને બેથ મૂની સાથે ‘વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ’ માટે નૉમિનેટ કરી હતી. મેન્સ ક્રિકેટમાંથી આ પુરસ્કાર માટે ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ અને ન્યુ ઝીલૅન્ડના મિચલ સૅન્ટનરને શૉર્ટ-લિસ્ટ કરાયા છે.

sports news sports cricket news indian womens cricket team mumbai indians indian premier league