મુંબઈની ધરતી પર આજે ટાઇટલનો દુકાળ સમાપ્ત કરી શકશે દિલ્હી કૅપિટલ્સ?

15 March, 2025 11:16 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

WPLની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ આજે સાંજે ૮ વાગ્યાથી શરૂ થશે : દિલ્હી કૅપિટલ્સ સળંગ ત્રીજી વાર ફાઇનલ મૅચ રમશે, મુંબઈની ટીમ ૨૦૨૩માં દિલ્હીને હરાવીને બની હતી WPLની પહેલી ચૅમ્પિયન ટીમ

WPL ટ્રોફી સાથે મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગ.

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનનો આજે નિર્ણાયક દિવસ છે. ૧૪ ફેબ્રુઆરીથી હમણાં સુધી રમાયેલી ૨૧ મૅચ બાદ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સની ટીમ ફાઇનલિસ્ટ બની છે અને આજે તેમની વચ્ચે મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ટ્રોફી જીતવા જંગ જામશે. દિલ્હી કૅપિટલ્સ સળંગ ત્રીજી વાર ફાઇનલ મૅચ રમશે. આ ટીમ ૨૦૨૩માં મુંબઈ અને ૨૦૨૪માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ફાઇનલ મૅચ હારી હતી. મુંબઈની ટીમ સળંગ ત્રીજી વાર આ ટુર્નામેન્ટમાં એલિમિનેટર મૅચ રમી હતી. આજે તેઓ ૨૦૨૩ બાદ બીજી વાર આ ટ્રોફી ઉપાડવાનો પ્રયાસ કરશે.

બન્ને ટીમ સાત વાર આમનેસામને રમી છે, જેમાં દિલ્હી ચાર અને મુંબઈ ત્રણ મૅચ જીતી છે. આ સીઝનમાં રમાયેલી બન્ને મૅચમાં દિલ્હીની ટીમે જ મુંબઈ સામે બાજી મારી છે. WPLમાં ૧૦૦૦થી વધુ રનની પાર્ટનરશિપ કરી ચૂકેલી દિલ્હીની ઓપનર્સ શફાલી વર્મા અને કૅપ્ટન મેગ લૅનિંગે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જોકે હેલી મૅથ્યુઝ સહિતનું મુંબઈનું બોલિંગ યુનિટ તેમને જબરદસ્ત પડકાર આપશે. મુંબઈ નૅટ સાઇવર-બ્રન્ટ, હેલી મૅથ્યુઝ અને કૅપ્ટન હરમનપ્રીત કૌરના શાનદાર ફૉર્મને કારણે ચૅમ્પિયન્સ બનવા માટે પ્રમુખ દાવેદાર છે. આ સીઝનમાં ૧૧-૧૧ વિકેટ લેનાર સ્પિનર ​​જેસ જોનાસન અને ભારતની અનુભવી ઝડપી બોલર શિખા પાંડેએ દિલ્હી માટે પ્રભાવશાળી પ્રદર્શન કરવું પડશે.

એલિમિનેટર મૅચમાં વિમેન્સ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા મુંબઈની મેન્સ ટીમના પ્લેયર્સ

મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની એલિમિનેટર મૅચમાં મેન્સ ક્રિકેટના સ્ટાર પ્લેયર્સ પણ જોવા મળ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સની મેન્સ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા, સ્ટાર બૅટર તિલક વર્મા અને બૅટિંગ કોચ કાઇરન પોલાર્ડ પણ પોતાની વિમેન્સ ટીમની જર્સી પહેરીને સપોર્ટ માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને ગુજરાત જાયન્ટ્સની પ્લેયર્સ સાથે પણ મુલાકાત કરીને જરૂરી સલાહ-સૂચન આપ્યાં હતાં.

womens premier league delhi capitals mumbai indians harmanpreet kaur cricket news test cricket sports news sports