હરમન ઍન્ડ કંપનીનું આજે મલેશિયા સામે ‘નેટ સેશન’

03 October, 2022 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટી૨૦ ​એશિયા કપમાં ભારતીય ટીમ નવાસવા હરીફોને હળવાશથી નહીં લે : ફરી ઓપનર શેફાલી પર ચર્ચા

વિમેન્સ ટી૨૦ એશિયા કપમાં ભારત

વિમેન્સ ટી૨૦ એશિયા કપમાં ભારતે કાંડાની ઈજામાંથી મુક્ત થયેલી જેમાઇમા રૉડ્રિગ્સ (૭૬ રન, ૫૩ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની ધમાકેદારી ઇનિંગ્સ તેમ જ ઑફ-સ્પિનર દયાલન હેમલતા (૧૫ રનમાં ત્રણ વિકેટ)ની મદદથી શનિવારે શ્રીલંકાને ૪૧ રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું ત્યાર બાદ ભારતની આજે (બપોરે ૧.૦૦ વાગ્યાથી) સિલહટમાં મલેશિયા સામે મૅચ છે.

મલેશિયાની ટીમ ક્રિકેટજગતમાં નવીસવી કહી શકાય, પરંતુ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની આજની મૅચને ‘નેટ સેશન’ જેવી ગણવા ઉપરાંત હરીફોને હળવાશથી નહીં લે. ૧૮ વર્ષની ઓપનર શેફાલી વર્મા છેલ્લી તમામ ૧૦ ઇનિંગ્સમાં સદંતર ફ્લૉપ (૧૦, ૦, ૮, ૧, ૫, ૨૦, ૧૪, ૧૨, ૧૧, ૧૫) ગઈ છે અને ટીમને અને ખાસ કરીને કૅપ્ટન હરમનને આશા છે કે તે પાછી ફૉર્મમાં આવશે. 
ત્રણ વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમતી શેફાલીએ ફૉર્મમાં આવ્યા પછી સતત સારું રમવું પડશે, કારણ કે આગામી ફેબ્રુઆરીના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સિલેક્ટરોની તેના પર સતત નજર રહેશે.

ગઈ કાલે પાકિસ્તાને મલેશિયાને હરાવ્યું : યુએઈ સામે શ્રીલંકા માંડ-માંડ જીત્યું

બંગલાદેશના સિલહટમાં ગઈ કાલે વિમેન્સ ટી૨૦ એશિયા કપમાં પાકિસ્તાને મલેશિયાને ૬૬ બૉલ બાકી રાખીને ૯ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું, પરંતુ ડકવર્થ/લુઇસ મેથડન આધારે નવો ટાર્ગેટ નક્કી થયા પછી શ્રીલંકાએ યુએઈને મહામહેનતે હરાવ્યું હતું. મલેશિયાની ટીમ પાકિસ્તાની સ્પિનર્સના તરખાટને કારણે ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૫૭ રન બનાવી શકી હતી. પાકિસ્તાને ૯ ઓવરમાં એક વિકેટે ૬૧ રન બનાવ્યા હતા. પછીની મૅચમાં શ્રીલંકાએ ૯ વિકેટે ૧૦૯ રન બનાવ્યા બાદ વરસાદને કારણે યુએઈને ૧૧ ઓવરમાં ૬૬ રન બનાવવાનું કહેવાયું હતું, પરંતુ એની ટીમ ૭ વિકેટે ૫૪ રન બનાવી શકી હતી અને શ્રીલંકાની ટીમ ૧૧ રનથી જીતી ગઈ હતી. હવે આજે મલેશિયાનો ભારત સાથે મુકાબલો છે.

cricket news sports news sports indian womens cricket team