04 October, 2024 10:49 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશની સૌથી સફળ બોલર રિતુ મોની મોનીએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી છે (ડાબે); એક દાયકા બાદ T20 વર્લ્ડ કપ મૅચ જીતીને ખૂબ જ ભાવુક થયેલી બંગલાદેશની કૅપ્ટન અને વિકેટકીપર નિગાર સુલતાના.
પહેલી વાર T20 વર્લ્ડ કપ રમી રહેલી સ્કૉટલૅન્ડની મહિલા ટીમને ૧૬ રને હરાવીને યજમાન બંગલાદેશી ટીમે વિજયી શરૂઆત કરી છે. બંગલાદેશે પહેલા બૅટિંગ કરીને ૭ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા. ૧૨૦ રનના ટાર્ગેટ સામે બંગલાદેશી બોલર્સે સ્કૉટલૅન્ડની ટીમને ૭ વિકેટે ૧૦૩ રને રોકી દીધી હતી.
ગઈ કાલની પહેલી મૅચમાં ડાબા હાથની મીડિયમ પેસ બોલર રિતુ મોની બંગલાદેશની સૌથી સફળ બોલર હતી. મોનીએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી છે જેને કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ બની છે.
બંગલાદેશની મહિલા ટીમ માટે આ વિજય ખાસ હતો, કારણ કે આ ટીમે એક દાયકા બાદ T20 વર્લ્ડ કપમાં જીત મેળવી છે. એપ્રિલ ૨૦૧૪માં આ ટીમે આયરલૅન્ડને T20 વર્લ્ડ કપમાં છેલ્લી વાર હરાવ્યું હતું ત્યાર બાદની ૧૬ મૅચમાં બંગલાદેશી ટીમ જીત મેળવી શકી નહોતી. T20 વર્લ્ડ કપમાં આ ટીમની ઓવરઑલ ત્રીજી જીત છે. ૨૦૧૪માં શ્રીલંકા અને આયરલેન્ડને હરાવ્યા બાદ આ ટીમ ૨૦૨૪માં માત્ર સ્કૉટલૅન્ડને હરાવવામાં સફળ થઈ છે.
આજે પહેલી મૅચ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ વચ્ચે ૩.૩૦ વાગ્યાથી રમાશે.