20 October, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્દોરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ મેચ દરમિયાન ઇંગ્લેન્ડની હીથર નાઈટ શોટ રમી રહી છે
મહિલા વર્લ્ડ કપની વીસમી મેચમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય વિમેન્સ ટીમની ગઈ કાલે માત્ર ૪ રનથી હાર થઈ હતી. આ રોમાંચક મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલાં બૅટિંગ કરીને હીથર નાઇટના ૧૦૯ રનની મદદથી ૨૮૮ રન કર્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ૪ વિકેટ લીધી હતી.
૨૮૯ રનના ટાર્ગેટ સાથે ઊતરેલી ભારતીય ટીમે ૧૩ રનમાં પહેલી અને ૪૨ રને બીજી વિકેટ ગુમાવી દીધી હતી, પણ એ પછી સ્મૃતિ માન્ધના અને હરમનપ્રીત કૌરે ૨૦ ઓવરમાં ૧૨૫ રનની ભાગીદારી કરીને ભારત માટે મજબૂત સ્થિત બનાવી દીધી હતી. ૭૦ રને હરમનપ્રીત આઉટ થયા પછી પણ દીપ્તિ અને માન્ધનાએ ૬૭ રનની પાર્ટનરશિપ કરીને ભારતનો સ્કોર ૪૧.૨ ઓવરમાં ૨૩૪ રને પહોંચાડી દીધો હતો. ૮૮ રને સ્મૃતિ આઉટ થઈ ત્યારે ભારત પાસે ૬ વિકેટ હાથમાં હતી અને બાવન બૉલમાં પંચાવન રનની જ જરૂર હતી. જોકે ૪૬મી ઓવરમાં ૮ રન કરીને રિચા ઘોષ અને ૪૭મી ઓવરમાં ૫૦ રન કરીને દીપ્તિ આઉટ થઈ જતાં ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. અંતિમ ઓવરમાં ભારતને જીતવા ૧૪ રનની જરૂર હતી, પણ ભારતીય બૅટરો ૯ રન કરી શકી હતી. પાંચ મૅચમાં ૩ હાર અને બે જીત સાથે ભારતના ૪ પૉઇન્ટ જ રહ્યા છે.
હવે કઈ રીતે ક્વૉલિફાય કરી શકે છે ભારત?
૯ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા પહેલા અને ૮ પૉઇન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા નંબરે રહીને ક્વૉલિફાય થઈ ચૂક્યાં છે. ભારતને હરાવીને ઇંગ્લૅન્ડે પણ ૯ પૉઇન્ટ સાથે સેમી-ફાઇનલમાં એનું સ્થાન નક્કી કરી નાખ્યું છે.
ટૉપ ચારની ટીમોમાં હવે માત્ર એક જ જગ્યા ખાલી છે. પૉઇન્ટ ટેબલમાં હજી ભારત ચોથા સ્થાને છે. ભારતનો હવે પછીનો મુકાબલો ન્યુ ઝીલૅન્ડ સાથે છે જે સૌથી વધુ મહત્ત્વનો છે, કારણ કે ન્યુ ઝીલૅન્ડના પૉઇન્ટ પણ ભારતની જેમ ૪ છે, પણ નેટ-રન રેટ ભારતનો વધારે છે. જો ભારત ન્યુ ઝીલૅન્ડ અને એ પછી બંગલાદેશ બન્ને સામે જીતી જાય છે તો સરળતાથી ક્વૉલિફાય કરી દેશે, પણ જો ન્યુ ઝીલૅન્ડ સામે હારી જાય તો પણ આશા જીવંત રહે છે. જોકે એવા સંજોગોમાં ભારતે બંગલાદેશ સામે તો જીત મેળવવી જ પડશે, સાથે એવી આશા રાખવી પડશે કે ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં હારી જાય.