04 November, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : અતુલ કાંબળે
ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ સોશ્યલ મીડિયામાં ખેલાડીઓ ઉપરાંત હેડ કોચ અમોલ મુઝુમુદાર પણ છવાઈ ગયો છે. સોશ્યલ મીડિયામાં અમોલ મુઝુમદારની સરખામણી શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ના કોચ કબીર ખાન સાથે થઈ રહી છે. ફિલ્મમાં કબીર ખાનના કોચિંગમાં ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બનતી દેખાડવામાં આવી હતી. હવે લોકો મુઝુમદારને રિયલ લાઇફનો કબીર ખાન ગણાવી રહ્યા છે.
૧૧,૦૦૦ રન છતાં નહોતો મળ્યો મોકો
અમોલ મુઝુમદારે ર્ફ્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૦ સેન્ચુરી સાથે ૧૧,૦૦૦થી વધુ રન બનાવ્યા છે. અમોલ મુઝુમદાર એક સમયે મુંબઈ ટીમનો આધારસ્તંભ બૅટર ગણાતો હતો. તેના આવા કમાલના પર્ફોર્મન્સ છતાં તેને ક્યારેય ટીમ ઇન્ડિયા વતી રમવાનો મોકો નહોતો મળ્યો. કારણ કે સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોના સમયમાં ટીમમાં ચાન્સ લાગવો અશક્ય હતું. તેના પર્ફોર્મન્સને લીધે જ એ સમયે લોકો તેને ‘નેક્સ્ટ સચિન’ કહેતા હતા.
અમોલ મુંબઈ રણજી ટીમનો કૅપ્ટન અને કોચ પણ રહી ચૂક્યો છે. એ ઉપરાંત અન્ડર-19 અને અન્ડર-23 ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ અમોલ રહી ચૂક્યો છે. ઇન્ટરનૅશનલમાં તે નેધરલૅન્ડ્સ ટીમનો બૅટિંગ કન્સલ્ટન્ટ પણ રહી ચૂક્યો છે. IPLમાં રાજસ્થાન રૉયલ્સના બૅટિંગ કોચની ફરજ પણ તેણે નિભાવી છે. ૨૦૨૩માં મુઝુમદારને ભારતીય મહિલા ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને બે વર્ષમાં તેણે ટીમને વર્લ્ડ ચૅમ્પિયન બનાવીને કરીઅરની સૌથી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.
કોચ અમોલનું રોહિત સ્ટાઇલનું સેલિબ્રેશન
ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય મહિલા ટીમના કોચ અમોલ મુઝુમદારે રોહિત શર્માના આઇકૉનિક સેલિબ્રેશનને દોહરાવ્યું હતું. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કૅપ્ટન રોહિત શર્માએ મેદાનમાં ભારતીય ઝંડાને સ્થાપિત કરીને સેલિબ્રેશન કર્યું હતું એનાં ભારે વખાણ થયાં હતાં.
આવતી કાલે વડા પ્રધાન મોદીને મળશે ચૅમ્પિયન ટીમ
રવિવારે વિમેન્સ વર્લ્ડ કપ જીતીને દેશને ગર્વ અપાવનાર ભારતીય મહિલા ટીમ આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળશે. અહેવાલો પ્રમાણે ક્રિકેટ બોર્ડને આ માટેનું આમંત્રણ વડા પ્રધાનના કાર્યાલય તરફથી મળી ગયું છે. ખેલાડીઓ આજે મુંબઈથી દિલ્હી જવા રવાના થશે અને આવતી કાલે વડા પ્રધાનને મળ્યા બાદ દરેક જણ પોતપોતાના ઘરે જશે.