જેમાઇમાનો રૅન્કિંગમાં જમ્પ, ભારત પૉઇન્ટ્સમાં ટૉપ પર

05 October, 2022 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુએઈ સામે ૧૦૪ રનથી વિજય, દીપ્તિનો પણ દમામદાર પર્ફોર્મન્સ : શુક્રવારે ભારત v/s પાકિસ્તાન

જેમાઇમા રૉડ્રિગ્સ

વિમેન્સ ટી૨૦ એશિયા કપમાં ગઈ કાલે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે સતત ત્રીજી મૅચ જીતીને ૭ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં પાકિસ્તાન પાસેથી મોખરાનું સ્થાન આંચકી લીધું હતું. ગઈ કાલની સુપરસ્ટાર બૅટર અને પ્લેયર ઑફ ધ મૅચ જેમાઇમા રૉડ્રિગ્સ (૭૫ અણનમ, ૪૫ બૉલ, અગિયાર ફોર) ટી૨૦ માટેના આઇસીસી વિમેન્સ રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં આવી ગઈ છે. છેલ્લી ચાર ઇનિંગ્સમાંથી બેમાં હાફ સેન્ચુરી ફટકારવા બદલ તે હવે આઠમા ક્રમે આવી ગઈ છે.

હરમનપ્રીતે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ ૨૦ રનમાં ત્રણ વિકેટ પડી જતાં ભારતીય ટીમ ચિંતામાં આવી ગઈ હતી. વનડાઉન બૅટર દીપ્તિ શર્મા (૬૪ રન, ૪૯ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને જેમાઇમા વચ્ચે ચોથી વિકેટ માટે ૧૨૮ રનની તોતિંગ ભાગીદારી ન થઈ હોત તો આ એશિયા કપની ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણાતી વિમેન્સ ટીમ ઇન્ડિયાએ કદાચ હાર સહન કરવી પડી હોત. યુએઈની આઠ બોલર્સના આક્રમણ વચ્ચે ભારતીય ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૮ રન બનાવ્યા બાદ યુએઈની ટીમ ૬ ભારતીય બોલર્સ સામે ટક્કર ઝીલીને પૂરી ૨૦ ઓવર રમી હતી. જોકે આ ટીમ ૪ વિકેટે ફક્ત ૭૪ રન બનાવી શકી હતી. ત્રણમાંથી બે વિકેટ રાજેશ્વરી ગાયકવાડે લીધી હતી.

ભારતની હવે શુક્રવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મૅચ (બપોરે ૧.૦૦ વાગ્યાથી) છે.

sports news sports cricket news indian womens cricket team