પાંચ સપ્ટેમ્બરે વિમેન્સ એશિયા કપ 2026માં દુબઈમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

07 August, 2026 09:41 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

વિમેન્સ T20 એશિયા કપ 2026નું શેડ્યુલ જાહેર થયું છે. ભારત 30 ઑગસ્ટે થાઇલૅન્ડ સામે અભિયાન શરૂ કરશે, જ્યારે 5 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે.

ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાનો ફાઇલ ફોટો.

એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગઈ કાલે વિમેન્સ T20 એશિયા કપ 2026નું શેડ્યુલ જાહેર કર્યું હતું. અપેક્ષા અનુસાર ૨૮ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ૧૫ મૅચની આ ટુર્નામેન્ટ રમાશે. 
આ T20 ફૉર્મેટમાં રમાનારી મહિલા એશિયા કપની છઠ્ઠી આવૃત્તિ હશે. ભાગ લેનારી ૮ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, થાઇલૅન્ડ, હૉન્ગકૉન્ગનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, બંગલાદેશ, UAE અને ઇન્ડોનેશિયાને સ્થાન આપવામાં આવ્યું છે. 
ઓપનિંગ મૅચ થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાશે. દરેક દિવસે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં એક-એક મૅચ રમાશે. બન્ને ગ્રુપની ટૉપ ટીમો વચ્ચે ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ રમાશે, જ્યારે ૧૩ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. 
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ ૩૦ ઑગસ્ટે થાઇલૅન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ૩ સપ્ટેમ્બરે હૉન્ગકૉન્ગ સામે મૅચ રમાશે અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ 
પાંચ સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. 

ભારતીય વિમેન્સ ટીમની સાઉથ આફ્રિકાની ટૂરમાં ત્રણ T20 મૅચની સિરીઝ ઉમેરાઈ

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ભારતીય વિમેન્સ ટીમના શેડ્યુલમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ ડિસેમ્બરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે એક ટેસ્ટ-મૅચ અને ત્રણ વન-ડેની સિરીઝની સાથે હવે ત્રણ T20 મૅચની સિરીઝ પણ રમશે. ૨૦૨૭ની શરૂઆતમાં શ્રીલંકામાં આયોજિત પ્રથમ ICC મહિલા ચૅમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને T20 સિરીઝ ઉમેરવામાં આવી છે. 
૨૬થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન ત્રણ T20 મૅચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. ૯થી ૧૨ ડિસેમ્બર દરમ્યાન એક ટેસ્ટ-મૅચ સાથે સાઉથ આફ્રિકાની ટૂરની શરૂઆત થશે. ૧૬થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે મૅચની સિરીઝનું આયોજન પણ પહેલાંથી નક્કી છે. 

indian womens cricket team cricket news sports news sports united arab emirates abu dhabi