વિમેન્સ એશિયા કપ : ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ સેમી-ફાઇનલમાં સ્થાન કન્ફર્મ કર્યું

08 September, 2026 08:53 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સામે ૧૧૫ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે એક સમયે ૪૪ રને અડધી શ્રીલંકન ટીમ આઉટ થઈ હતી

શ્રીલંકાની બૅટર હર્ષિતા સમરવિક્રમા ૩૭ બૉલમાં ૪૮ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

રવિવારે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિમેન્સ T20 એશિયા કપ 2026ની મૅચમાં શ્રીલંકાએ બંગલાદેશ સામે ૪ વિકેટે જીત નોંધાવી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ સતત ત્રીજી જીત સાથે સેમી-ફાઇનલમાં સ્થાન કન્ફર્મ કર્યું હતું. શ્રીલંકાને ૧૧ સપ્ટેમ્બરની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મળી છે. 
રવિવારની મૅચમાં બંગલાદેશ ૨૦ ઓવરમાં ૧૧૪/૮નો સ્કોર કરી શક્યું હતું. જવાબમાં શ્રીલંકાએ ૧૯.૨માં ૬ વિકેટના નુકસાન સાથે ૧૧૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૯.૩ ઓવરમાં શ્રીલંકાએ ૪૪ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. જોકે હર્ષિતા સમરવિક્રમાએ ૩૭ બૉલમાં ૪ ફોર અને બે સિક્સની મદદથી અણનમ ૪૮ રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.

ભારત સામેના સેમી-ફાઇનલના સ્પૉટ માટે આજે બંગલાદેશ-UAEની ટક્કર

વિમેન્સ T20 એશિયા કપ 2026ની બારમી અને ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ આજે ગ્રુપ Bની ટીમ બંગલાદેશ અને યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) વચ્ચે રમાશે. ગ્રુપ Bમાં બન્ને ટીમ બે મૅચમાં એક-એક જીત સાથે બે પૉઇન્ટ મેળવી શકી છે. આજે જે ટીમ જીતશે એ ગ્રુપ Bમાં બીજા ક્રમે રહીને ભારત સામેની ૧૦ સપ્ટેમ્બરની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મેળવશે. 

t20 asia cup dubai sri lanka bangladesh cricket news sports news sports