નંબર-વન બોલર હિટ અને નંબર-વન બૅટર ફ્લૉપ થતાં ઇંગ્લૅન્ડ પહોંચ્યું ફાઇનલમાં

01 April, 2022 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડની સૉફી એકલસ્ટનની ૬ વિકેટ, સાઉથ આફ્રિકાની લૉરા ઝીરોમાં આઉટ ઃ ઑસ્ટ્રેલિયા સામે રવિવારે નિર્ણાયક મુકાબલો જામશે

ગઈ કાલે વર્લ્ડ નંબર-વન બૅટર લૉરા વૉલ્વાર્ટને ઝીરોમાં આઉટ કર્યા પછી એકદમ ખુશ ઇંગ્લૅન્ડની પેસ બોલર ઍન્યા શ્રબસોલ.

મહિલાઓની વન-ડેમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં સાઉથ આફ્રિકાને સેમી ફાઇનલમાં ૧૩૭ રનથી હરાવીને સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં રવિવારે (ભારતીય સમય મુજબ સવારે ૬.૩૦ વાગ્યાથી) એનો મુકાબલો ઑસ્ટ્રેલિયા સાથે થશે. ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા પછી ૮ વિકેટે ૨૯૩ રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૩૮ ઓવરમાં ૧૫૬ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડે આસાનીથી નિર્ણાયક મૅચમાં પ્રવેશ કર્યો હતો.

ઇંગ્લૅન્ડની લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી એકલસ્ટન વન-ડેની વર્લ્ડ નંબર-વન બોલર છે અને તેણે ૩૬ રનમાં ૬ વિકેટ લીધી હતી. તેનું આ જીતમાં બહુ મોટું યોગદાન હતું, જોકે ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વ્યૉટ (૧૨૯ રન, ૧૨૫ બૉલ, ૧૨ ફોર) મૅચ-વિનર હતી. તેને લીધે જ બ્રિટિશ ટીમ સાઉથ આફ્રિકાને ૨૯૪ રનનો તોતિંગ ટાર્ગેટ આપી શકી હતી. ડૅનીને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. તેની સાથી-બોલર ઍન્યા શ્રબસોલે બે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ઓપનર લૉરા વૉલ્વાર્ટ તાજેતરમાં વન-ડેમાં વર્લ્ડ નંબર-વન બૅટર બની હતી. જોકે ગઈ કાલે તે બીજા જ બૉલમાં આઉટ થઈ ગઈ હતી.

તેને શ્રબસોલે કૉટ ઍન્ડ બોલ્ડમાં આઉટ કરી હતી.ડૅનીને મળ્યાં પાંચ જીવતદાન

ઇંગ્લૅન્ડની મૅચ-વિનર ડૅની વ્યૉટને ૧૨૯ રનની લાંબી ઇનિંગ્સમાં કુલ 
પાંચ જીવતદાન મળ્યાં હતાં. પાંચ વખત તેનો કૅચ છૂટ્યો હતો. એનો લાભ ઉઠાવીને તેણે પહેલી વાર વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી.

ઇંગ્લૅન્ડનો અનોખો વિક્રમ
મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ક્યારેય કોઈ ટીમ બે મૅચ હાર્યા પછી ફાઇનલમાં પહોંચી હોય એવું નહોતું બન્યું. જોકે આ વખતે બ્રિટિશ ટીમ શરૂઆતની ત્રણ મૅચ હારી ગયા પછી ભારત સામેના વિજય સાથે જોરદાર કમબૅક કરીને ફાઇનલમાં પહોંચી છે જે વિક્રમ છે.

બન્ને ટીમ ૧૦ વાર ચૅમ્પિયન બની છે
મહિલા વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા કુલ ૬ વખત અને ઇંગ્લૅન્ડ કુલ ૪ વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. છેલ્લે ૨૦૧૭માં ઇંગ્લૅન્ડે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.

ગઈ કાલની મૅચવિનર ડૅનીએ ૨૦૧૪માં કોહલીને પ્રપોઝ કરેલું

ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં સાઉથ આફ્રિકા સામેની સેમી ફાઇનલમાં પાંચ વાર કૅચ છૂટતાં રમવા મળેલી યાદગાર ઇનિંગ્સમાં કુલ ૧૨૫ બૉલમાં ૧૨૯ રન બનાવનાર ડૅની વ્યૉટે ૨૦૧૪માં વિરાટ કોહલીને પ્રપોઝ કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. ડૅનીએ ત્યારે ટ્વીટમાં લખ્યું હતું, ‘ખોલી (Kholi) મૅરી મી.’ જોકે કોહલીના પરિવારે ત્યારે આડકતરી રીતે ડૅનીની પ્રપોઝલને ઠુકરાવી હતી. કોહલીનાં મમ્મી સરોજ કોહલીએ ત્યારે એક પત્રકારના સવાલના જવાબમાં કહ્યું હતું, ‘વિરાટની હજી લગ્ન કરવા જેટલી ઉંમર નથી થઈ. ચાર-પાંચ વર્ષની વાર છે. હજી તો તેણે ક્રિકેટની કરીઅર બનાવવા પર ધ્યાન આપવાનું છે.’ કોહલી ૨૦૧૩થી અનુષ્કા શર્મા સાથે ડેટિંગ કરતો હતો. ત્યાર બાદ આ યુગલને ચાહકોએ ‘વિરુષ્કા’ નામથી ઓળખવાની શરૂઆત કરી હતી. ૨૦૧૭માં કોહલી-અનુષ્કાનાં લગ્ન થયાં ત્યારે ડૅની વ્યૉટે કોહલીને સોશ્યલ મીડિયા મારફત અભિનંદન આપ્યાં હતાં.

sports sports news cricket news womens world cup england south africa