દિલ્હી કૅપિટલ્સ સતત ચોથી વખત WPL ફાઇનલ રમશે, ગુજરાત જાયન્ટ્સને એલિમિનેટરમાં સતત બીજી હાર મળી

04 February, 2026 11:46 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

WPL પ્લેઑફ ઇતિહાસનો હાઇએસ્ટ ૧૬૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો જેમિમા રૉડ્રિગ્સની ટીમે, આવતી કાલે બૅન્ગલોર સામે ફાઇનલ

ગઈ કાલે કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ ૨૩ બૉલમાં ૪૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી

બરોડામાં ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની એલિમિનેટર મૅચમાં ગુજરાત જાયન્ટ્સને ૭ વિકેટે હરાવીને દિલ્હી કૅપિટલ્સે સતત ચોથી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ગુજરાતે ઓપનર બેથ મૂનીની શાનદાર ફિફ્ટીની મદદથી ૧૬૮/૭નો સ્કોર કર્યો હતો. દિલ્હીએ ઓપનર લિઝેલ લી અને કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સના આધારે  ૧૫.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૬૩ રન કરીને એલિમિનેટર રૂપે પોતાની પહેલી પ્લેઑફ મૅચ જીતી હતી.

અગાઉ WPL પ્લેઑફમાં ૧૩૨ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ૨૦૨૩ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેઝ કર્યો હતો. ગુજરાતને ગઈ સીઝનમાં મુંબઈ સામે એલિમિનેટર મૅચમાં હાર મળી હતી.
ગુજરાતની વિકેટકીપર-બૅટર બેથ મૂનીએ ૫૧ બૉલમાં ૬ ફોરની મદદથી ૬૨ રન ફટકારીને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. દિલ્હીની પેસ બોલર ચિનેલ હેન્રીએ ૩ વિકેટ અને નંદની શર્માએ બે વિકેટ ઝડપી હતી. દિલ્હીની ઓપનર લિઝેલ લીએ ૨૪ બૉલમાં ૮ ફોર અને ૧ સિક્સની મદદથી ૪૩ રન ફટકારી રન-ચેઝ માટે શાનદાર શરૂઆત અપાવી હતી. કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સે ૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૩ બૉલમાં ૪૧ રન ફટકારીને રન-ચેઝને સફળ બનાવી દીધી હતી. ગુજરાતની કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે પોતાની સાથે ૭ બોલર્સનો ઉપયોગ કર્યો છતાં માત્ર બે બોલર્સને વિકેટ મેળવવામાં સફળતા મળી હતી.

પહેલી ત્રણેય સીઝનમાં મેગ લૅનિંગના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચનાર દિલ્હી કૅપિટલ્સે આ વખતે નવી કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સની આગેવાનીમાં એક પડકારરૂપ સીઝનને પાર કરીને ફાઇનલમાં એન્ટ્રી મારી છે. પાંચ ફેબ્રુઆરીએ જેમિમા રૉડ્રિગ્સની ટક્કર તેની ખાસ મિત્ર સ્મૃતિ માન્ધનાની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ સાથે થશે. 

womens premier league delhi capitals gujarat giants Jemimah rodrigues cricket news sports sports news