WTC 2023 : ઑસ્ટ્રેલિયા મોટો ટાર્ગેટ આપશે તો ભારતને ચમત્કાર અથવા મેઘરાજા જ બચાવી શકશે

10 June, 2023 10:39 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હેડ અને સ્મિથ બન્નેને રવીન્દ્ર જાડેજાએ પૅવિલિયનમાં મોકલી દીધા હતા

ઓવલમાં ગઈ કાલે ત્રીજા દિવસે અજિંક્ય રહાણે (ડાબે) બૉલ વાગતાં ઈજા પામ્યો હતો અને પછી લબુશેન ને પણ હાથમાં બૉલ વાગ્યો હતો.

ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ભારત ગઈ કાલે ત્રીજા દિવસે ફૉલો-ઑનથી તો બચી શક્યું હતું, પરંતુ કાંગારૂઓને મળેલી ૧૭૩ રનની તોતિંગ સરસાઈથી નહોતું બચી શક્યું. બીજું, ગઈ કાલની રમતના અંત પહેલાં ૧૫ ઓવર બાકી હતી ત્યારે ૧૨૦ રનમાં ચાર વિકેટ લેવામાં તો સફળ રહ્યું હતું, પરંતુ પરાજય નોતરી શકે એવા મોટા લક્ષ્યાંકનો ડર પણ ભારતને સતાવી શકે. આજે અને આવતી કાલે વરસાદ પડવાની સંભાવના હોવાથી હવે ભારતને (૪૦૦થી ૪૫૦ જેટલા સંભવિત લક્ષ્યાંક સામે) કોઈ ચમત્કાર અથવા મેઘરાજાની મહેરબાની જ બચાવી શકે. પાંચ દિવસની આ ટેસ્ટ માટે આઇસીસીએ ખરાબ હવામાનને પગલે જરૂર પડે તો રિઝર્વ-ડે પણ રાખ્યો છે.

પહેલા દાવના બન્ને સેન્ચુરિયન ટ્રેવિસ હેડ (૧૮ રન) અને સ્ટીવ સ્મિથ (૩૪ રન) ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં આઉટ થઈ ચૂક્યા હોવાથી ભારતને ટેઇલ-એન્ડર્સનો ભય સતાવવા લાગ્યો હતો, કારણ કે ઘણી વખત ભારતને પૂંછડિયા જ ભારે પડતા હોય છે. હેડ અને સ્મિથ બન્નેને રવીન્દ્ર જાડેજાએ પૅવિલિયનમાં મોકલી દીધા હતા. એ પહેલાં વૉર્નર (૧ રન) અને ખ્વાજા (૧૩ રન) સાવ સસ્તામાં આઉટ થતાં ભારતીય ટીમમાં જીતવાની નજીવી આશા જાગી હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૫ ઓવર બાકી હતી ત્યારે ૧૨૦ રનમાં જે ચાર વિકેટ ગુમાવી એમાંથી બે જાડેજાએ તેમ જ એક-એક વિકેટ સિરાજ અને ઉમેશ યાદવે લીધી હતી. 

એ અગાઉ ઑસ્ટ્રેલિયાના ૪૬૯ રન સામે ભારતનો પ્રથમ દાવ ૨૯૬ રને પૂરો થયો હતો. ૨૦૧૯ની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝના સિતારા અજિંક્ય રહાણે (૮૯ રન, ૧૨૯ બૉલ, ૨૫૪ મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર)ને તેરમી સદી ફટકારવા નહોતી મળી, પણ શાર્દૂલ ઠાકુર (૫૧ રન, ૧૦૯ બૉલ, ૧૫૬ મિનિટ, છ ફોર) સાથેની સાતમી વિકેટ માટેની ૧૦૯ રનની પાર્ટનરશિપથી ભારતના માથેથી મોટી મુસીબત જરૂર દૂર થઈ હતી. જાડેજા ગુરુવારે ૪૮ રન બનાવીને આઉટ થયો હતો, પણ વિકેટકીપર શ્રીકાર ભરતે ફક્ત પાંચ રન બનાવ્યા હતા. કમિન્સે ત્રણ તેમ જ સ્ટાર્ક, બૉલેન્ડ, ગ્રીને બે-બે વિકેટ અને સ્પિનર લાયને એક વિકેટ લીધી હતી.

test cricket indian cricket team cricket news australia oval maidan sports news sports ajinkya rahane