WTCની ફાઇનલના પહેલા દિવસે ૧૪ વિકેટ પડી : કાંગારૂઓ ખખડી પડ્યા આફ્રિકનોનો પણ ધબડકો

13 June, 2025 07:05 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા ૨૧૨ રનમાં ઑલઆઉટ, સાઉથ આફ્રિકાએ ૪૩ રનમાં ચાર વિકેટ ગુમાવી : કૅગિસો રબાડાએ તરખાટ મચાવીને લીધી પાંચ વિકેટ, મિચલ સ્ટાર્ક પણ ત્રાટક્યો

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાના તરખાટ મચાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે પણ આક્રમક બોલિંગ કરતાં બે વિકેટ લઈને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની શરૂઆતમાં કમર તોડી નાખી હતી. તેણે એઇડન માર્કરમને પહેલી જ ઓવરમાં ઝીરો પર બોલ્ડ કર્યો હતો.

ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈ કાલે ઇંગ્લૅન્ડના લૉર્ડ‌્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલના પહેલા દિવસે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ કાંગારૂઓને ધ્વસ્ત કરી દીધા હતા. સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાને પહેલાં બૅટિંગ આપી હતી અને માત્ર ૫૬.૪ ઓવરમાં ૨૧૨ રનમાં ઑલઆઉટ કરી દીધા હતા. રબાડાએ ૫૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. માર્કો યાન્સેને ૪૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

કૅગિસો રબાડાએ પાંચ વિકેટ લીધી હતી

ઑસ્ટ્રેલિયા વતી બો વેબસ્ટરે સૌથી વધુ ૭૨ રન કર્યા હતા, જ્યારે સ્ટીવ સ્મિથે ૬૬ રનનું યોગદાન આપ્યું હતું. આ બન્ને બૅટર સિવાય બીજા કોઈ ઑસ્ટ્રેલિયન બૅટરે ખાસ કંઈ ઉકાળ્યું નહોતું.
ઑસ્ટ્રેલિયાના ૨૧૨ રનના જવાબમાં સાઉથ આફ્રિકાનો પણ ધબડકો થયો હતો. એણે ૨૨ ઓવરમાં માત્ર ૪૩ રન કરીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મિચલ સ્ટાર્કે બે તથા પૅટ કમિન્સ અને જૉશ હેઝલવુડે એક-એક વિકેટ લીધી હતી.

world test championship south africa australia cricket news sports sports news