12 December, 2025 02:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
કૅપ્ટન તરીકે ક્રિકેટ-મેદાન પર યંગ ક્રિકેટર્સને ઠપકો આપવા માટે જાણીતા રોહિત શર્મા વિશે ઓપનર યશસ્વી જાયસવાલે રસપ્રદ નિવેદન આપ્યું છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટૂરમાં ફીલ્ડિંગ દરમ્યાન રોહિત શર્માના ઠપકાનો સામનો કરનાર યશસ્વીએ કહ્યું હતું કે ‘જ્યારે પણ રોહિતભાઈ અમને ઠપકો આપે છે ત્યારે એમાં ઘણો પ્રેમ અને સહાનુભૂતિ મિશ્રિત હોય છે. હકીકતમાં જો રોહિતભાઈ ઠપકો ન આપે તો અસ્વસ્થતાની લાગણી આવે છે. મનમાં પ્રશ્ન થાય છે કે તે મને કેમ ઠપકો નથી આપી રહ્યો? શું તે મારા કોઈ કામથી નારાજ છે?’
યશસ્વીએ આગામી વર્લ્ડ કપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારું સ્વપ્ન આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2026માં રમવાનું છે. મારો સમય આવશે અને હું એની રાહ જોઉં છું. જો મને ક્યારેય ભારતીય ટીમની કૅપ્ટન્સી કરવાની તક મળે તો હું એના માટે તૈયાર છું.’
T20 વર્લ્ડ કપ 2024ની સ્ક્વૉડમાં તે સામેલ હતો, પરંતુ તેને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી. તે ભારત માટે છેક જુલાઈ ૨૦૨૪માં છેલ્લી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.