25 August, 2026 02:28 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
કોલંબોમાં માથાકૂટ બદલ યશસ્વી અને અસિથાને ICCએ પચીસ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો
કોલંબો ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ભારતના ઓપનર યશસ્વી જાયસવાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે ઝઘડો થયો હતો. બોલ્ડ થયા બાદ અસિથા ફર્નાન્ડોની ઉજવણીથી ઉશ્કેરાઈને યશસ્વી તેની નજીક પહોંચી ગયો હતો. યશસ્વીએ અસિથા સાથે માથું પણ અફાડ્યું હતું.
ગઈ કાલે બપોરે ICCએ બન્ને ખેલાડીઓની માથાની અથડામણની ઘટનાનો ઉલ્લેખ કરીને દંડ ફટકાર્યો હતો. યશસ્વી જાયસવાલ અને અસિથા ફર્નાન્ડોને મૅચ-ફીના પચીસ ટકાના દંડ સાથે એક-એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. બન્ને ખેલાડીઓએ અયોગ્ય શારીરિક સંપર્ક અંગેના નિયમનો ભંગ કર્યો હોવાનું મૅચ અધિકારીઓ સામે સ્વીકાર્યું હતું.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ યશસ્વી જાયસવાલ અને અસિથા ફર્નાન્ડોના ઝઘડા પર એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં હર્ષા ભોગલેએ સલાહ આપતાં કહ્યું હતું કે ‘જો કોઈ હદ પાર કરે છે તો આપણે તેમને જણાવવું પડશે અને ભારત વળતો જવાબ આપશે. ફર્નાન્ડો સાથે ઝઘડામાં પડવાને બદલે યશસ્વીએ ત્યાંથી ચાલ્યા જવું જોઈતું હતું.’
હર્ષા ભોગલેના આ વિડિયો પર કમેન્ટ કરતાં યશસ્વી જાયસવાલે લખ્યું હતું કે ‘જો તમને ખબર ન હોય કે મેદાન પર શું કહેવામાં આવ્યું હતું તો કૃપા કરીને કોઈ અભિપ્રાય ન બનાવો.’
યશસ્વી જાયસવાલના મેદાન પરના વર્તનની સંજય માંજરેકર જેવા કૉમેન્ટેટર્સે પણ ટીકા કરી હતી. મેદાન પર હાજર રવીન્દ્ર જાડેજાએ પણ તેના વર્તન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ભારતના ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં ભારતની મેન્સ દિવ્યાંગ ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસ અને સચિવ દેવજિત સૈકિયાએ પણ હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં આ દિવ્યાંગ ક્રિકેટ ટીમને જરૂરી સમર્થન આપી રહ્યું છે.
ઇંગ્લૅન્ડ ટૂર પર ૩-૪થી સાત T20 મૅચની સિરીઝ હારીને આવેલી ભારતની મેન્સ દિવ્યાંગ ક્રિકેટ ટીમ સાથેની મુલાકાતના ફોટો શૅર કરીને અમિત શાહે લખ્યું કે ‘દિલ્હીમાં દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને આનંદ થયો. તેઓ ઇંગ્લૅન્ડની ટૂર પરથી પાછા આવ્યા છે. દેશને સન્માન અપાવવા માટેનો તેમનો દૃઢ નિશ્ચય અને પ્રયાસો ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. મેં તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ પાઠવી.’
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર જસ્ટિન લૅન્ગરે ઇંગ્લૅન્ડના હેડ કોચ પદના દાવેદાર તરીકેની ચર્ચા પર મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન લેન્ગર કહે છે, ‘મને ઇંગ્લૅન્ડના કોચ બનવાની ઑફર મળી નહોતી. જોકે ઇંગ્લૅન્ડની નોકરી સ્વીકારવી એ ખૂબ મુશ્કેલ નિર્ણય હોત. જો ઇંગ્લૅન્ડનો હેડ કોચ બન્યો હોત તો મારી પત્નીએ ડિવૉર્સ આપી દીધા હોત. મારી બન્ને દીકરીઓ મારી વિરુદ્ધ થઈ ગઈ હોત. રિકી પૉન્ટિંગ અને મૅથ્યુ હેડન જેવા મારા બાકીના મિત્રો પણ મારાથી દૂર થઈ ગયા હોત. ઇંગ્લૅન્ડનો હેડ કોચ બનવું એ મોટી જવાબદારી છે. મને લાગે છે કે સમય યોગ્ય હતો. સ્ટીફન ફ્લેમિંગ ચેન્નઈથી અલગ થયો અને ઇંગ્લૅન્ડે તેને હેડ કોચ તરીકે લાવવાની તક ઝડપી લીધી. તે શાંત છે અને તેનું ક્રિકેટિંગ મગજ તેજસ્વી છે.’જસ્ટિન લેન્ગરના કોચિંગ હેઠળ સુપર જાયન્ટ્સ ફ્રૅન્ચાઇઝીએ હાલમાં ધ હન્ડ્રેડ રૂપે પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું.
મકાય ટેસ્ટ-મૅચ જીતીને ઑસ્ટ્રેલિયાએ બંગલાદેશ સામેની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી હતી. પહેલી વખત મેન્સ ટેસ્ટ-મૅચની યજમાની કરનાર મકાયના મેદાન પર મોટી સંખ્યામાં ક્રિકેટ-ફૅન્સ મૅચ જોવા આવ્યા હતા જેમાંથી એક ફૅને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એક યંગ ઑસ્ટ્રેલિયન ફૅન પોતાની પીઠ પર સ્ટીવ સ્મિથની બૅટિંગ શૈલીવાળું ટૅટૂ પડાવીને આવ્યો હતો. આ ટૅટૂ પાસે ફૅન સ્ટીવ સ્મિથનો ઑટોગ્રાફ લેવામાં સફળ રહ્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સ્ટીવ સ્મિથના ફૅનની દીવાનગી ઝડપથી વાઇરલ થઈ હતી.
આર્જેન્ટિનાના ભૂતપૂર્વ અને દિવંગત ફુટબૉલર ડીએગો મૅરડોનાએ 1986ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે શાનદાર ગોલ કર્યા હતા. આ બન્ને ગોલ હૅન્ડ ઑફ ગૉડ અને
ગોલ ઑફ ધ સેન્ચ્યુરી નામે ઓળખાય છે. આ ગોલ જે બૉલથી થયા હતા એનું હાલમાં ઑક્શન યોજાયું હતું.
અમેરિકામાં આયોજિત ઑક્શનમાં આ બૉલ ૩.૩૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૨ કરોડ રૂપિયામાં વેચાયો હતો. હેરિટેજ ઑક્શનને અપેક્ષા હતી કે આ બૉલ લગભગ ૧૦ મિલ્યન ડૉલર એટલે કે ૯૫ કરોડ રૂપિયાથી વધારેમાં વેચાશે.
બૅન્ગલોરનો ૪૧ વર્ષનો સૂરજ નરેડુ જપાન રેસિંગ અસોસિએશન (JRA)માં વિજય મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે. ત્રણ વર્ષના ઘોડા ફિયર ચેન્ટર પર સવાર થઈને તેણે ૨૬૦૦ મીટરની રેસ જીતીને આ ઇતિહાસ રચ્યો હતો.
વિશ્વભરના ટોચના ઘોડેસવારો વચ્ચે સૂરજ નરેડુ જીતવા માટે છઠ્ઠો ફેવરિટ ખેલાડી હતો. જોકે તેણે આ રેસમાં જપાનના ટૉચના રાઇડર્સ સાથે ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ અને કૅનેડાના પ્રતિનિધિઓને માત આપી હતી. બે દાયકા લાંબી કરીઅરમાં સૂરજ નરેડુ ૨૫૦થી વધુ સ્થાનિક ગ્રેડેડ રેસ અને ૧૦૦થી વધુ ક્લાસિક ટાઇટલ જીત્યો છે.