વડોદરાની યાસ્તિકા ભાટિયાએ ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓમાંથી કર્યું છે કમબૅક

14 July, 2026 10:43 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ઘૂંટણની ઇન્જરીને કારણે વન-ડે વર્લ્ડ કપ ગુમાવ્યો, આ વર્ષે T20 વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શન બદલ ડ્રૉપ થઈ હતી

પહેલી ઇન્ટરનૅશનલ સદી ફટકાર્યા બાદ લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પર માથું ઝુકાવ્યું હતું યાસ્તિકા ભાટિયાએ.

વડોદરામાં જન્મેલી ૨૫ વર્ષની ડાબા હાથની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયાએ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વિમેન્સ ટેસ્ટ સેન્ચુરી ફટકારવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ૨૦૨૧માં ડેબ્યુ કર્યા બાદ ૨૬ T20 મૅચ, ૨૮ વન-ડે મૅચ, ૩ ટેસ્ટ-મૅચ રમ્યા બાદ છેક પોતાની ૫૮મી મૅચમાં પહેલી ઇન્ટરનૅશનલ સદી નોંધાવવામાં તે સફળ રહી હતી.

અગાઉ ભારત માટે તેણે ૬૪ રનના હાઇએસ્ટ સ્કોર સહિત ૪ વન-ડે ફિફ્ટી અને ૫૪ રનના હાઇએસ્ટ સ્કોર સાથે એક T20 ફિફ્ટી નોંધાવી હતી. લૉર્ડ્સમાં ફટકારેલા ૧૧૩ રન તેના માટે સ્પેશ્યલ હતા, કારણ કે T20 વર્લ્ડ કપ 2026માં નબળા પ્રદર્શન બદલ તેને આગામી એશિયન ગેમ્સની સ્ક્વૉડમાંથી બહાર કરવામાં આવી હતી.  

૬ મહિના પહેલાં હું સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિમાં હતી. લૉર્ડ્‌સના આ‌ૅનર્સ બોર્ડમાં મારું નામ હોય એ અવિશ્વસનીય છે. આ ફક્ત શરૂઆત છે. શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે. - યાસ્તિકા ભાટિયા

યાસ્તિકા માટે આ સફર ખૂબ જ ભાવનાત્મક અને પડકારજનક રહી છે. ગયા વર્ષે તાલીમશિબિર દરમ્યાન ડાબા ઘૂંટણમાં ઇન્જરીને કારણે તેણે વન-ડે વર્લ્ડ કપ ગુમાવ્યા બાદ  ઑક્ટોબરમાં સર્જરી કરાવી હતી. બે મહિના સુધી બેડ-રેસ્ટ રહ્યા બાદ તેણે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક પ્રથમ વન-ડે વર્લ્ડ કપ જીત અને આ વર્ષની વિમેન્સ પ્રીમિયર લીગનો ભાગ બનવાની તક ગુમાવી દીધી હતી.

યાસ્તિકા ભાટિયાએ ૮ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના પપ્પાએ ક્રિકેટ ઍકૅડેમીમાં ઍડ્‍મિશન અપાવીને દરેક તબક્કે તેને સપોર્ટ કર્યો હતો. તેણે ક્રિકેટના શરૂઆતના દિવસોથી જ સ્કૂલના અભ્યાસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બૅચલર ઑફ આર્ટ્‍સની ડિગ્રી ધરાવે છે. 

indian womens cricket team india vadodara test cricket cricket news sports sports news england