06 July, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવરાજ સિંહ સાથે શુભમન ગિલ (ડાબે), અભિષેક શર્મા (જમણે)
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે પોતાના દીકરા યુવરાજ સિંહના કોચિંગની ભરપૂર પ્રશંસા કરી છે. તે કહે છે કે ‘યુવી જેને કોચિંગ આપે છે તે પ્લેયર્સને આખો દિવસ ટીવી પર બેસીને જોએ છે અને સાંજે ફોન કરીને સલાહ-સૂચન પણ આપે છે. શુભમન ગિલ, અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ તેની પાસેથી શીખ્યા છે. મારી જેમ યુવી પણ માનવા લાગ્યો છે કે આઉટ થવું ક્રાઇમ છે, જ્યારે તમે નૉટ-આઉટ રમો છો ત્યારે તમે કરેલી પહેલાંની ભૂલો સુધરી જાય છે.’
તે આગળ કહે છે કે ‘યુવીનું જે મગજ, કોચિંગ અને મેન્ટરશિપ છે એ આ દુનિયામાં કોઈ મૅચ નહીં કરી શકે. કોચિંગ દરમ્યાન તમારે બૉલ-બાય-બૉલ પ્લેયરને સૂચન આપવું પડે છે. એના કારણે જ શુભમન ગિલ આટલો સારો પ્લેયર બન્યો છે. શુભમન ગિલ અને અભિષેક શર્મા યુવીના ડાબા-જમણા હાથ છે, જેવા કોચ તેવા ચેલા. યુવી અને ગૌતમ ગંભીરથી શીખવું જોઈએ કે કોચિંગ કઈ રીતે આપવું. યુવરાજ પ્લેયર્સ સાથે મા-બાપની જેમ વર્તે છે. તેમને પ્રેમની સાથે ગુસ્સો પણ કરે છે.’