✕

યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

03 October, 2026 03:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત માટે ફરી વાઇટ-બૉલ ફૉર્મેટમાં રમવાની ભૂખ જાહેર કરી

યુઝવેન્દ્ર ચહલ

ભારતના ૩૬ વર્ષના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. યુઝવેન્દ્ર ચહલે ક્રિકેટનું આ સૌથી લાંબું ફૉર્મેટ છોડતા સમયે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘રેડ-બૉલ ક્રિકેટથી મેં ધીરજ, પાત્રતા, સ્થિતિસ્થાપકતા અને કલાકો સુધી બહાર રહેવાનો, દરેક રન અને દરેક વિકેટ માટે લડવાના શુદ્ધ આનંદનો અર્થ શીખ્યો.’
યુઝવેન્દ્ર ચહલે સ્વીકાર્યું કે ભારતની ટેસ્ટ-કૅપ મેળવવી એ હંમેશાં તેનું સ્વપ્ન હતું પરંતુ હવે એ શક્ય નથી. યુઝીને ક્યારેય ભારત તરફથી ટેસ્ટ-ક્રિકેટ રમવાની તક મળી નથી. હરિયાણા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલો યુઝી ૪૯ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચમાં ૩.૧૩ના ઇકૉનૉમી-રેટ સાથે ૧૪૮ વિકેટ લઈ ચૂક્યો છે. ૨૬ સપ્ટેમ્બરે લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપ દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ નૉર્થહૅમ્પટનશર માટે છેલ્લી વખત આ ફૉર્મેટની મૅચ રમ્યો હતો. 
ભારત માટે છેલ્લે ઑગસ્ટ ૨૦૨૩માં વાઇટ-બૉલ મૅચ રમનાર યુઝવેન્દ્ર ચહલે લખ્યું કે ‘મારા દેશ માટે રમવાની ભૂખ હજુ પણ જીવંત છે. હું માનું છું કે મારામાં ક્રિકેટ બાકી છે અને હું વન-ડે અને T20 ફૉર્મેટમાં વધુ તક મેળવવા માટે મારું સર્વસ્વ આપીશ.‘ 
તેણે ભારત માટે ૭૨ વન-ડે મૅચમાં ૧૨૧ વિકેટ અને ૮૦ T20 મૅચમાં ૯૬ વિકેટ લીધી છે. 

Yuzvendra Chahal indian cricket team sports news sports cricket news