20 November, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુઝવેન્દ્ર ચહલ
૩૬ વર્ષના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ૩૪૬ T20 મૅચોમાં ૪૦૨ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા તરફથી પહેલી મૅચમાં પંજાબ સામે વિકેટલેસ રહ્યા પછી યુઝવેન્દ્ર ચહલે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ સામે ૩-૩ વિકેટ લઈને T20 ક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાની સિદ્ધિ મેળવી છે. આવી કમાલ કરનાર તે વિશ્વનો ૧૭મો બોલર બન્યો છે.
T20માં ૭.૭૭ના ઇકૉનૉમી-રેટ અને ૨૩.૬૪ની ઍવરેજથી બોલિંગ કરનાર યુઝવેન્દ્ર ચહલે ૧૨ વખત ૪ વિકેટ અને બે વખત પાંચ વિકેટ લીધી છે. ૨૦૧૭માં તેણે ઇંગ્લૅન્ડ સામે બૅન્ગલોરમાં ૪ ઓવરમાં પચીસ રન આપીને ૬ વિકેટ લઈ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.
ચહલે પોતાની મોટા ભાગની T20 વિકેટ IPLમાં લીધી છે. ૪ IPL ટીમો માટે રમીને તેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૩૩ વિકેટ લીધી હતી. હરિયાણા માટે ૭૧ T20 મૅચમાં યુઝીએ ૬૮ વિકેટ લીધી છે.
૨૦૨૫ની બાવીસ જાન્યુઆરી સુધી યુઝવેન્દ્ર ચહલ ૮૦ T20 ઇન્ટરનૅશનલ મૅચોમાં ૯૬ વિકેટ લઈને ભારતીય T20 ટીમનો નંબર વન બોલર હતો. ઑગસ્ટ ૨૦૨૩થી તેને ભારત માટે રમવાની તક નથી મળી.
ભારતનો નંબર T20 બોલર હોવા છતાં યુઝવેન્દ્ર ચહલ ભારત માટે એક પણ T20 વર્લ્ડ કપ મૅચ રમી શક્યો નથી. યુઝી ભારતની ૨૦૨૧-’૨૨ અને ૨૦૨૪ની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડનો ભાગ હતો.