હું ૧૮ કરોડની મોટી રકમનો હકદાર છું

07 April, 2025 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮મી સીઝનની ત્રણ મૅચમાં માત્ર એક વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ કહે છે...

યુઝવેન્દ્ર ચહલ

IPL 2025માં પંજાબ કિંગ્સે સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ૧૮ કરોડ રૂપિયામાં પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે, પણ ૧૮મી સીઝનની પહેલી ત્રણ મૅચમાં તે અનુક્રમે ૩૪, ૩૬ અને ૩૨ રન આપીને માત્ર એક વિકેટ લઈ શક્યો છે, છતાં જિયોહૉટસ્ટારના એક ઇન્ટરવ્યુમાં તેણે ટૂંક સમયમાં ફૉર્મમાં પરત ફરવાની આશા વ્યક્ત કરી હતી. તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૦૬ વિકેટ લેનાર બોલર છે. 
૩૪ વર્ષનો આ સ્પિનર કહે છે, ‘અમે ત્રણ મૅચ રમ્યા છીએ અને સૌથી સારી વાત એ છે કે એમાંથી બે જીત્યા છીએ. ટુર્નામેન્ટ હમણાં જ શરૂ થઈ છે અને હું મારી લયમાં આવી રહ્યો છું. મારું પ્રદર્શન અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યું નથી. હું ફક્ત એક જ વિકેટ લઈ શક્યો, પણ મારી પ્રાથમિકતા ટ્રોફી જીતવાની છે. મને લાગે છે કે હું આ (૧૮ કરોડ રૂપિયા) કિંમતને લાયક છું. જ્યારે તમે રમો છો ત્યારે તમને એવું નથી લાગતું કે તમે પાંચ કરોડ કે ૧૮ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.’ 

ઑગસ્ટ ૨૦૨૩ બાદ ભારતીય ટીમ માટે એક પણ મૅચ ન રમવા વિશે વાત કરતાં તે કહે છે, ‘હું એના વિશે બહુ વિચારતો નથી, એ મારા હાથમાં નથી. ગયા વર્ષે હું લગભગ આખું વર્ષ ટીમની બહાર હતો, પરંતુ T20 વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો. હું  પ્રેશર ન લેવાનો પ્રયાસ કરું છું, હું કઈ ટીમ માટે રમી રહ્યો છું એ વિચાર્યા વિના હું મારી રમતનો આનંદ માણું છું.’ 

10.2- આટલા ઇકૉનૉમી રેટથી છેલ્લી ૧૫ IPL મૅચોમાં રન આપ્યા છે યુઝવેન્દ્ર ચહલે.

sports news sports Yuzvendra Chahal indian premier league cricket news