ઝિમ્બાબ્વેના ક્રિકેટર બ્રેન્ડન ટેલરે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

13 September, 2021 07:03 PM IST  |  Belfast | Gujarati Mid-day Online Correspondent

આજે આયર્લેન્ડ સામે રમશે કારકિર્દીની છેલ્લી મેચ

પ્રતીકાત્મક તસવીર

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન ટેલર (Brendan Taylor)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ૧૩ સપ્ટેમ્બર (સોમવારે) આયર્લેન્ડ સામે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે. બ્રેન્ડન ટેલરની આ જાહેરાત સાથે તેની ૧૭ વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત આવશે. તેણે સોશ્યલ મીડિયાના માધ્યમથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે વર્ષ ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘ભારે હૃદયથી હું જાહેર કરું છું કે આવતીકાલે મારા પ્રિય દેશ ઝિમ્બાબ્વે માટે મારી છેલ્લી મેચ છે. આ ૧૭ વર્ષના જીવનમાં મેં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. આ ખેલે મને નમ્ર બનવાનું શીખવ્યું, જે હંમેશા મને યાદ કરાવે છે કે હું કેટલો નસીબદાર હતો કે હું એટલા લાંબા સમય સુધી આ સ્થિતિમાં રહ્યો હતો, ગર્વથી બેજ પહેર્યો હતો અને મેદાન પર બધું છોડી દીધું હતું. વર્ષ ૨૦૦૪માં હું જ્યારે પહેલીવાર આવ્યો ત્યારે મારું ઉદ્દેશ્ય મારી ટીમને હંમેશા સારી સ્થિતિમાં છોડવાનું હતું. મને આશા છે કે મેં તેવું જ કર્યું.’

સાથે જ બ્રેન્ડન ટેલરે તેના ક્રિકેટ બોર્ડ, સાથી ખેલાડીઓ, પરિવાર અને ચાહકો માટે ભાવનાત્મક સંદેશ લખ્યો છે.

બ્રેન્ડન ટેલરે ઝિમ્બાબ્વે માટે ૨૦૪ મેચ રમી છે. આજે તે બેલફાસ્ટમાં પોતાની ૨૦૫મી મેચ રમશે. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની છેલ્લી મેચ હશે. જો આપણે ટેલરના વનડે રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૨૦૫મી મેચથી વનડેમાં ૬,૬૭૭ રન બનાવ્યા છે. વનડેમાં તેણે ૧૧ સદી અને ૩૯ અડધી સદી ફટકારી છે. એન્ડી ફ્લાવર પછી વનડે ક્રિકેટમાં ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી છે. આ સિવાય ટેલરે પોતાના દેશ માટે ૩૪ ટેસ્ટ અને ૪૫ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.

sports sports news cricket news zimbabwe