ઝિમ્બાબ્વેએ ૨૪ વર્ષ પછી એક ઇનિંગ્સથી જીત મેળવી, ટેસ્ટ-ઇતિહાસનો પોતાનો સૌથી મોટો વિજય નોંધાવ્યો

24 October, 2025 10:40 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ એક ઇનિંગ્સ ૭૩ રનથી જીત્યું

એકમાત્ર ટેસ્ટ-મૅચની ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના પ્લેયરો

ઝિમ્બાબ્વેએ ૩ દિવસની અંદર અફઘાનિસ્તાનને બે વખત ઑલઆઉટ કરીને એકમાત્ર ટેસ્ટ-મૅચ જીતી લીધી છે. હરારેમાં અફઘાનીઓને ૧૨૭ રનમાં ઑલઆઉટ કર્યા બાદ યજમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ૩૫૯ રનનો વિશાળ સ્કોર કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાન ૧૫૯ રનમાં સમેટાઈ જતાં ઝિમ્બાબ્વેને એક ઇનિંગ્સ ૭૩ રનથી જીત મળી હતી. યજમાન ટીમનો ઓપનર બેન કરેન ૧૨૧ રનની ઇનિંગ્સ રમવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. યજમાન ટીમના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ કુલ ૬ વિકેટ ઝડપીને સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. 
૧૯૯૫માં પાકિસ્તાન અને ૨૦૦૧માં બંગલાદેશ બાદ ૨૪ વર્ષે હવે ઝિમ્બાબ્વેએ ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સથી જીત નોંધાવી છે. એક ઇનિંગ્સ ૭૩ રનની જીત ઝિમ્બાબ્વેની સૌથી મોટી ટેસ્ટ-જીત પણ છે.  ઘરઆંગણે ઝિમ્બાબ્વેએ ૧૨ વર્ષ બાદ ટેસ્ટ-જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વેને માર્ચ ૨૦૨૧માં અફઘાનિસ્તાન સામે પહેલી ટેસ્ટ-મૅચમાં જીત મળી હતી. ત્યાર બાદની ૩ ટેસ્ટમાંથી બેમાં અફઘાનિસ્તાને જીત મેળવી હતી અને એક મૅચ ડ્રૉ રહી હતી. 

test cricket zimbabwe afghanistan cricket news sports sports news