30 June, 2025 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેશવ મહારાજ
પહેલી ટેસ્ટ-મૅચના બીજા દિવસની શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ એક પણ ઓવર રમ્યા વગર ૯૦ ઓવરમાં ૪૧૮/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. યજમાન ઝિમ્બાબ્વે સીન વિલિયમ્સની સદીની મદદથી ૬૭.૪ ઓવરમાં ૨૫૧ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. બીજા દિવસના અંતે આફ્રિકાએ ૧૩ ઓવરમાં એક વિકેટે ૪૯ રન જોડીને ૨૧૬ રનની લીડ મેળવી લીધી હતી.
ઝિમ્બાબ્વેના મિડલ ઑર્ડર બૅટર સીન વિલિયમ્સને ૧૬ ફોરની મદદથી ૧૬૪ બૉલમાં ૧૩૭ રનની ઇનિંગ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઝિમ્બાબ્વેએ પોતાની છેલ્લી પાંચ વિકેટ ૫૦ રનની અંદર ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર્સ વિઆન મલ્ડર (૫૦ રનમાં ચાર વિકેટ) અને કોડી યુસુફ (૪૨ રનમાં ૩ વિકેટ) અને સ્પિનર કેશવ મહારાજ (૭૦ રનમાં ત્રણ વિકેટ)એ સાઉથ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કૅપ્ટન તરીકે પહેલી ટેસ્ટ-મૅચ રમી રહેલા ભારતીય મૂળના ક્રિકેટર કેશવ મહારાજે ૯૯મી ઇનિંગ્સમાં પોતાની ૨૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી જેના કારણે તે સાઉથ આફ્રિકા માટે ૨૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર પહેલો સ્પિનર બની ગયો છે.
ઝિમ્બાબ્વેનો ઓપનર ટેસ્ટ-મૅચમાંથી અધવચ્ચેથી કેમ થયો આઉટ?
યજમાન ટીમનો ૨૧ વર્ષનો ઓપનર બ્રાયન બેનેટ (૨૮ બૉલમાં ૧૯ રન) સાઉથ આફ્રિકાના ૧૯ વર્ષના ફાસ્ટ બોલર ક્વેના માફાકાના બાઉન્સરને કારણે ઇન્જર્ડ થયો હતો. માથા પર હળવી ઇન્જરી છતાં તેને સાવચેતીના ભાગરૂપે પહેલી ટેસ્ટ-મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે. કન્કશનના નવા પ્રોટોકૉલ અનુસાર તેને ઓછામાં ઓછા સાત દિવસ સુધી મેદાનથી દૂર રહેવું પડી શકે છે. ICCએ હાલમાં જ આ નિયમોમાં ફેરફાર કર્યા હતા.