રિયલ મૅડ્રિડનો ૮૭ મિનિટના ગોલથી વિજય

30 November, 2021 11:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એ ગોલ વિનિસિયસ જુનિયરે કર્યો હતો

રવિવારે મૅડ્રિડમાં રિયલ મૅડ્રિડ વતી ૮૭મી મિનિટના વિનિંગ ગોલ બાદ બ્રાઝિલના વિનિસિયસ જુનિયરે બ્રાઝિલનો ફેમસ સામ્બા ડાન્સ કર્યો હતો. તેની સરખામણી મેસી અને રોનાલ્ડો સાથે થઈ રહી છે.

લા લીગા તરીકે જાણીતી સ્પૅનિશ ફુટબૉલ લીગમાં રવિવારે ટોચનાં સ્થાનોમાંની બે ટીમો રિયલ મૅડ્રિડ અને સેવિલા વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં રિયલ મૅડ્રિડે ખૂબ સુંદર કમબૅક કરીને ૮૭મી મિનિટના ગોલ સાથે ૨-૧થી રોમાંચક વિજય મેળવ્યો હતો. એ ગોલ વિનિસિયસ જુનિયરે કર્યો હતો. તેણે ગોલપોસ્ટ તરફની કૂચ કરતી વખતે એક ક્ષણે બૉલને છાતી પર લીધો હતો અને બે ડિફેન્ડરના પડકાર વચ્ચે જોરદાર શૉટમાં બૉલને ગોલપોસ્ટની ટૉપ કૉર્નરમાં મોકલીને વિનિંગ ગોલ નોંધાવ્યો હતો. વિનિસિયસે આ સીઝનમાં ૧૧ ગોલ કર્યા છે. આગલી ત્રણ સીઝનના તેના ગોલનો સરવાળો પણ આટલો નહોતો.
વિનિસિયસના વિનિંગ ગોલ પહેલાં સેવિલાનો એકમાત્ર ગોલ ૧૨મી મિનિટે રફા મીરે કર્યો ત્યાર બાદ કરીમ બેન્ઝેમાએ ૩૨મી મિનિટે રિયલને ૧-૧થી બરાબરી કરાવી આપી હતી.
નેપોલીની જીત મૅરડોનાને અર્પણ
મિલાનમાં સેરી-એ નામની ઇટાલિયન લીગમાં નેપોલીઅએ લેઝિયોને ૪-૦થી હરાવીને આ વિજય ગયા વર્ષે અવસાન પામેલા આર્જેન્ટિનાના સોકર-લેજન્ડ ડિયેગો મૅરડોનાને અર્પણ કર્યો હતો. ચારમાંથી બે ગોલ ડ્રાઇઝ મર્ટેન્સે કર્યા હતા. ત્રણ દિવસ પહેલાં મૅરડોનાની પ્રથમ પુણ્યતિથિ હતી.
પરાજિત યુવેન્ટ્સ પર દરોડો
૩૬ વખત સેરી-એ ટુર્નામેન્ટ જીતી ચૂકેલી (ઇટાલિયન ચૅમ્પિયન બનેલી) યુવેન્ટ્સ ટીમ ગયા વર્ષ સુધી લાગલગાટ ૯ વાર ટ્રોફી જીતી હતી, પણ આ વખતે પૉઇન્ટ-ટેબલમાં છેક આઠમા નંબરે છે અને શનિવારનો દિવસ એને માટે ખૂબ ખરાબ હતો. ઍટલાન્ટા સામે એનો ૦-૧થી પરાજય થયો હતો અને બીજી બાજુ આર્થિક ગુનાના આરોપોને પગલે 
એની ઑફિસો પર પોલીસે દરોડા પાડ્યા હતા. યુવેન્ટ્સ ટીમની ક્લબ ઇટલીમાં મિલાન શૅરબજારમાં લિસ્ટેડ છે અને એણે આવક સાથેના ખોટા હિસાબ બતાવવાના આશયથી અસ્તિત્વમાં જ ન હોય એવાં ટ્રાન્ઝૅક્શન્સ માટેના ઇન્વૉઇસિસ બહાર પાડીને રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે કે નહીં એની તપાસ થઈ રહી છે.

હિમવર્ષામાં મેસીએ અપાવ્યો વિજય, નેમારની ઈજાએ વધારી ચિંતા
મધ્ય ફ્રાન્સમાં સેન્ટ-એટીએન ખાતે રવિવારે ફ્રેન્ચ લીગમાં સેન્ટ-એટીએન સામે ૩-૧થી જીતેલી મૅચમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી લિયોનેલ મેસીએ હિમવર્ષામાં લાંબી બાંયની જર્સી અને ગ્લવ્ઝ પહેરીને રાબેતા મુજબ પર્ફોર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પોતાની ટીમને ત્રણ ગોલ અપાવવામાં મદદ કરી હતી. તેણે ટીમના ત્રણ ગોલકર્તાઓને અસિસ્ટ કર્યા હતા એને કારણે તેઓ આસાનીથી ગોલ કરી શક્યા હતા. પીએસજીએ આ જીત સાથે મોખરે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. જોકે પીએસજીના બ્રાઝિલિયન ખેલાડી નેમારને મૅચની ૮૭મી મિનિટે ઈજા થઈ હતી જેને પગલે તેને સ્ટ્રેચરમાં સુવડાવીને સારવાર માટે લઈ જવાયો હતો.

sports sports news football