ગોલ્ડ ફૉર ગુજરાત : માના પટેલ ૨૦૦ મીટર સ્વિમિંગમાં ચૅમ્પિયન

05 October, 2022 11:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તેણે આ અંતર બે મિનિટ, ૨૫.૦૯ સેકન્ડમાં પૂરું કર્યું હતું.

માના પટેલ

ગુજરાતની નૅશનલ ગેમ્સમાં ગઈ કાલે રાજ્યની ટોચની સ્વિમર માના પટેલે રંગ રાખ્યો હતો. તે ૨૦૦ મીટર બૅકસ્ટ્રૉકમાં આસાનીથી પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીતી હતી. આ ચૅમ્પિયન સ્વિમરે હરીફાઈની તમામ સ્પર્ધકોને ઘણી પાછળ પાડી દીધી હતી. તેણે આ અંતર બે મિનિટ, ૨૫.૦૯ સેકન્ડમાં પૂરું કર્યું હતું. પશ્ચિમ બંગાળની સુભ્રતી મૉન્ડલ બીજા નંબરે આવતાં સિલ્વર મેડલ જીતી હતી, જ્યારે મુંબઈની પલક જોશીએ ત્રીજા નંબરે આવતાં બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતનો ફાસ્ટેસ્ટ મૅન

૧૦૦ મીટરની પુરુષોની દોડ ૧૦.૨૮ સેકન્ડના નવા ગેમ્સ રેકૉર્ડ સાથે પૂરી કરી ગોલ્ડ મેડલ જીતનાર આસામનો અમલન બોર્ગોહેઇન ૨૦૦ મીટર દોડ પણ જીત્યો છે. તેણે આ અંતર ૨૦.૫૫ સેકન્ડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કર્ણાટકનો અભિન દેવડિગા સિલ્વર મેડલ અને સર્વિસિસનો મુહમ્મદ અજમલ બ્રૉન્ઝ જીત્યો હતો.

મહારાષ્ટ્રની અવંતિકા જીતી ગોલ્ડ

સ્વિમિંગમાં મહિલાઓની ૫૦ મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલમાં ગઈ કાલે મહારાષ્ટ્રની અવંતિકા ચવાણે આ હરીફાઈ જીતવા માટે ફેવરિટ ગણાતી ગુજરાતની માના પટેલને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. અવંતિકાએ ૨૬.૫૪ સેકન્ડનો નવો નૅશનલ રેકૉર્ડ રચ્યો હતો. માનાએ આ અંતર ૨૬.૬૦ સેકન્ડમાં પૂરું કર્યું હતું. અવંતિકા ખાર જિમખાના ખાતે ઑલિમ્પિયન વીરધવલ ખાડેના માર્ગદર્શનમાં દેશની ટોચની સ્વિમર બની છે.

ચાલવામાં ચૅમ્પિયન

ઉત્તર પ્રદેશના રામબાબુએ ૩૫ કિલોમીટર વૉકની હરીફાઈ ૨ કલાક, ૩૬ મિનિટ, ૩૪ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.મહિલાઓમાં ૩૫ કિલોમીટર ચાલવાની હરીફાઈ ઉત્તરાખંડની પાયલે જીતી લીધી હતી. તેણે આ અંતર ૩ કલાક, ૧૧ મિનિટ, ૨૩ સેકન્ડમાં પૂરું કર્યું હતું.

sports news sports ahmedabad