ફુટબૉલ સ્ટેડિયમની બહાર ભાગદોડમાં ૮ વ્યક્તિનાં મોત

26 January, 2022 11:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આફ્રિકન કપ ઑફ નેશન્સ ફુટબૉલ ટુર્નામેન્ટ દરમ્યાન કૅમરૂનમાં સ્ટેડિયમની બહાર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી

સ્ટેડિયમની બહાર ભાગદોડ

આફ્રિકન કપ ઑફ નેશન્સ ફુટબૉલ ટુર્નામેન્ટ દરમ્યાન કૅમરૂનમાં સ્ટેડિયમની બહાર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને ભાગદોડમાં ૮ જણનાં મોત થયાં હતાં. એ ઉપરાંત બાળકો સહિત ૪૦ જેટલા લોકો જખમી થયા હતા, જેમાં સાતની હાલત ગંભીર હતી. ભાગદોડમાં ૬ વ્યક્તિ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે જણનાં મૃત્યુ હૉસ્પિટલની બહાર  થયાં હતાં. આ ઘટના બાદ પોલીસ અને લોકોએ ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જોતજોતામાં હૉસ્પિટલ ઊભરાઈ ગઈ હતી અને અમુક ઘાયલોએ બહાર જ રાહ જોવી પડી હતી એ દરમ્યાન બે જણનાં મૃત્યુ થયાં હતાં. 
આ ઑલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા ૬૦,૦૦૦ દર્શકોની હતી અને કોરોનાને કારણે અહીં ૮૦ ટકા દર્શકોને જ મેચ જોવાની અનુમતિ આપવામાં આવી હતી. એેવામાં લગભગ ૫૦,૦૦૦થી વધુ લોકો મૅચ જોવા આવી પહોંચ્યા હતા અને એ દરમ્યાન ભાગદોડ થઈ હતી. આવી પરિસ્થિતિમાં ઘણા લોકોએ જીવ બચાવવા દોડાદોડ કરી મૂકતાં તેમણે બાળકોને કચડી નાખ્યાં હતાં. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. આયોજકોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે અમે ઘટના કેવી રીતે બની એની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.

મૅચ ચાલુ રહી, કૅમરૂન જીત્યું
આ ઘટના છતાં સ્ટેડિયમની અંદર કૅમરૂન અને કોમોરોસ વચ્ચેની મૅચ ચાલુ હતી, જેમાં કૅમરૂને ૨-૧થી જીત મેળવી હતી. આ જીત સાથે કૅમરૂન ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું, પણ મેદાન બહારની દુર્ઘટનાને લીધે તેઓ વિજયનો આંનદ નહોતા માણી શક્યા. 

sports sports news football