કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા ૬૦૦ને પાર

04 August, 2026 04:55 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

સતત બીજી આવૃત્તિમાં મેડલ-ટૅલીમાં ભારત ચોથા ક્રમે : સતત સાતમી આવૃત્તિમાં પૅરા-ખેલાડીઓએ ૭ મેડલનું યોગદાન આપ્યું

પ્રતીકાત્મક તસવીર

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ૧૧ દિવસની રસાકસીમાં ભારત ૩૯ મેડલ સાથે મેડલ-ટૅલીમાં ચોથા ક્રમે રહ્યું હતું. અગાઉ ભારતે ૨૦૨૨માં ૬૦ મેડલ સાથે ચોથા ક્રમે અભિયાન સમાપ્ત કર્યું હતું. ૨૦૦૨ અને ૨૦૦૬માં અનુક્રમે ૬૯ અને ૫૦ મેડલ જીતીને ભારત સતત ચોથા ક્રમે રહ્યું હતું. ૨૦૧૮માં ભારત ૬૬ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ૨૦૧૦માં પહેલી વખત ૧૦૧ મેડલ મેળવીને ભારત બીજા ક્રમે રહ્યું હતું. દિલ્હીમાં આયોજિત એ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.ગ્લાસગોમાં ભારતે ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર, ૯ બ્રૉન્ઝ સહિત ૩૯ મેડલ જીત્યા. ઍથ્લેટિક્સમાં સૌથી વધુ ૧૬ મેડલ, બૉક્સિંગમાં ૧૦ મેડલ, પૅરા ખેલાડીઓ સહિત વેઇટલિફ્ટિંગમાં ૯ મેડલ, જુડોમાં ૪ મેડલ ભારતના ખાતામાં આવ્યા હતા. આ ૩૯ મેડલમાં પૅરા-ખેલાડીઓએ ૩ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત ૭ મેડલનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ છે કે ૨૦૦૨માં જ્યારથી આ ટુર્નામેન્ટમાં પૅરા-ખેલાડીઓની રમત જોડાઈ ત્યારથી સતત સાત આવૃત્તિમાં આ ખેલાડીઓએ સાત મેડલ જ અપાવ્યા છે. કૉમનવેલ્થ ગેમ્સની ઓવરઑલ મેડલ-ટૅલીમાં ભારત ૬૦૦ મેડલનો આંકડો પાર કરનાર ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, કૅનેડા અને ન્યુ ઝીલૅન્ડ બાદ ચોથો દેશ બન્યો છે. ભારત પાસે ગોલ્ડ મેડલ વધુ હોવાથી  ઓવરઑલ મેડલ-ટૅલીમાં ભારત ૭૪૨ મેડલ જીતનાર ન્યુ ઝીલૅન્ડ કરતાં એક કદમ આગળ ચોથા ક્રમે છે.

ભારતે સૌથી વધુ મેડલ કઈ-કઈ રમતમાં જીત્યા છે ?

કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતે પાંચ રમતોમાં ડબલ ડિજિટમાં અને ત્રણ રમતોમાં ત્રિપલ ડિજિટમાં મેડલ જીત્યા છે. વેઇટલિફ્ટિંગમાં ભારતે ૪૭ ગોલ્ડ સહિત સૌથી વધુ ૧૪૧ મેડલ જીત્યા છે. શૂટિંગમાં ૬૩ ગોલ્ડ સહિત ૧૩૫ મેડલ અને રેસલિંગમાં ૪૯ ગોલ્ડ સહિત ૧૧૪ મેડલ ભારતના ખાતામાં છે. 
ભારતે બૉક્સિંગમાં ૧૮ ગોલ્ડ સહિત ૫૪ મેડલ, ઍથ્લેટિક્સમાં નવ ગોલ્ડ સહિત બાવન મેડલ, બૅડ્‍મિન્ટનમાં ૧૦ ગોલ્ડ સહિત ૩૧ મેડલ, ટેબલ ટેનિસમાં ૧૦ ગોલ્ડ સહિત ૨૮ મેડલ અને જુડોમાં બે ગોલ્ડ સહિત ૧૫ મેડલ જીત્યા છે.

કૉમનવેલ્થ ગેમ્સની ઓવરઑલ મેડલ-ટૅલી  

આૅસ્ટ્રેલિયા : ૧૦૭૩ ગોલ્ડ, ૮૭૯ સિલ્વર, ૮૨૩ બ્રૉન્ઝ સહિત ૨૭૭૫ મેડલ 
ઇંગ્લૅન્ડ : ૮૦૨ ગોલ્ડ, ૮૨૮ સિલ્વર , ૮૦૨ બ્રૉન્ઝ સહિત ૨૪૩૨ મેડલ 
કૅનેડા : ૫૨૯ ગોલ્ડ, ૫૬૮ સિલ્વર, ૬૧૨ બ્રૉન્ઝ સહિત ૧૭૦૯ મેડલ 
ભારત : ૨૧૫ ગોલ્ડ, ૨૦૭ સિલ્વર, ૧૮૦ બ્રૉન્ઝ સહિત ૬૦૨ મેડલ 
ન્યુ ઝીલૅન્ડ : ૧૮૯ ગોલ્ડ, ૨૪૬ સિલ્વર, ૩૦૭ બ્રૉન્ઝ સહિત ૭૪૨ મેડલ

boxing athletics commonwealth games glasgow sports news sports