05 January, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ICCના ચૅરમૅન જય શાહ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહે ગઈ કાલે વહેલી સવારે સુરતમાં રન ફૉર ગર્લ ચાઇલ્ડ હાફ મૅરથૉન 2.0ને લીલી ઝંડી આપી હતી. ૩૭ વર્ષના જય શાહે ચીફ ગેસ્ટ તરીકે પોતાની સ્પીચમાં વિમેન્સ ક્રિકેટ અને ઑલિમ્પિક્સ વિશે મોટું નિવેદન આપ્યું હતું.
જય શાહે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૩૦ની કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં લાવ્યા, પરંતુ આપણે ત્યાં અટકવું ન જોઈએ. આપણે ૨૦૩૬ની ઑલિમ્પિક્સને પણ ભારતમાં લાવવાની બાકી છે.
આપણે ૨૦૨૪ની ઑલિમ્પિક્સમાં ૮ મેડલ જીત્યા હતા, પરંતુ હું તમને બધાને કહેવા માગું છું કે ૨૦૩૬માં ૮ મેડલ પૂરતા નહીં હોય. આપણે ઓછામાં ઓછા ૧૦૦ મેડલ જીતવાની જરૂર છે. એ ૧૦૦ મેડલમાંથી ઓછામાં ઓછા ૧૦ ગુજરાતથી હોવા જોઈએ. મને એનો વિશ્વાસ છે.’
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫ની જીત વિશે વાત કરતાં જય શાહે કહ્યું હતું કે ‘પહેલાં ઍરપોર્ટ જેવી જગ્યાએ કોઈ વાલીઓ મળતા તો તેઓ પોતાના સંતાનને રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની બનાવવાની જ વાત કરતા. જોકે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની શાનદાર જીત બાદ હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો કહે છે કે અમે અમારી દીકરીને સ્મૃતિ માન્ધના, હરમનપ્રીત કૌર અને જેમિમા રૉડ્રિગ્સ બનાવીશું.’