29 July, 2026 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત માટે સ્ક્વૉશમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવા અનાહત સિંહે કૉલેજ પહેલાં એક વર્ષનો ગૅપ લીધો
જુનિયર સ્ક્વૉશ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે ઐતિહાસિક પહેલું ટાઇટલ જીતનાર અનાહત સિંહે મોટો ખુલાસો કર્યો છે. ૧૮ વર્ષની અનાહત સિંહે એશિયન ગેમ્સ 2026 અને લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028 માટે લાંબા ગાળાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાનો અભ્યાસ મુલતવી રાખ્યો છે.
અનાહત સિંહ કહે છે, ‘મેં થોડા મહિના પહેલાં સ્કૂલ પૂરી કરી હતી. શરૂઆતમાં હું આ વર્ષે કૉલેજ જવાની હતી પરંતુ એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને મેં એક વર્ષનો ગૅપ લેવાનું નક્કી કર્યું છે. હવે હું સમજું છું કે સ્ક્વૉશ અને લૉસ ઍન્જલસ 2028ની તૈયારીની દૃષ્ટિએ આ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું એક વર્ષ માટે ફક્ત સ્ક્વૉશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું અને ખાતરી કરી રહી છું કે લૉસ ઍન્જલસ 2028 સુધીમાં હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં રહીશ. બાકીની બsધી બાબતો વિશે પછીથી વિચારીશ.’
એશિયન ગેમ્સ 2026માં જો અનાહત સિંહ સ્ક્વૉશમાં ગોલ્ડ મેડલ જીતશે તો લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028માં ઑટોમૅટિક ક્વૉલિફિકેશન મેળવશે. સ્ક્વૉશની રમત હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ 2026નો ભાગ નથી.