09 July, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇજિપ્ત સામેની જીત બાદ મેસીને ઉછાળીને જીતની ઉજવણી કરી આર્જેન્ટિનાની ટીમે
ઍટલાન્ટા સ્ટેડિયમમાં મંગળવારે ફુટબૉલ વર્લ્ડ કપની ઐતિહાસિક રમત રમાઈ હતી. ૧૫ અને ૬૭મી મિનિટે ગોલ કરીને ઇજિપ્તે મૅચમાં ૭૮મી મિનિટ સુધી દબદબો જાળવી રાખ્યો હતો. જોકે લીઅનલ મેસીએ સિસ્ટ કરેલા બૉલને ગોલપોસ્ટમાં પહોંચાડીને ક્રિસ્ટિયન રોમેરોએ ૭૯મી મિનિટે આર્જેન્ટિના માટે પહેલો ગોલ કરીને વાપસી કરાવી આપી હતી.
લીઅનલ મેસીએ ૮૩મી મિનિટે ગોલ કરીને મૅચનો સ્કોર ૨-૨થી લેવલ કર્યો હતો. એન્ઝો ફર્નાન્ડિસે સ્ટૉપેજ ટાઇમમાં ૯૩મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાની જીત સુનિશ્ચિત કરી હતી. આર્જેનિટાનો વિનિંગ ગોલ ફુટબૉલ વર્લ્ડ કપનો ૩૦૦૦મો ગોલ બન્યો હતો.
ફુટબૉલ વર્લ્ડ કપમાં પહેલી વખત કોઈ ટીમ ૭૫ મિનિટ સુધી બે ગોલથી પાછળ રહ્યા બાદ એક્સ્ટ્રા ટાઇમની રમતમાં ગયા વિના નૉકઆઉટ મૅચ જીતી હતી. આર્જેન્ટિનાએ છેલ્લી ૧૩ મિનિટની રમતમાં ૩ ગોલ કરીને ઐતિહાસિક કમબૅક કર્યું હતું.
ક્રિસ્ટિયન રોમેરોએ આર્જેન્ટિના માટે પહેલો ગોલ કરીને વાપસી કરાવી આપી હતી
ઇજિપ્ત સામેની મૅચ દરમ્યાન પહેલા હાફમાં લીઓનલ મેસી પેનલ્ટી કિક ચૂક્યો હતો. તેણે કહ્યું, ‘હું રડ્યો કારણ કે હું પેનલ્ટી મિસ થવાથી અને એને લેવાની રીતથી ખૂબ જ નિરાશ હતો. જો મેં ગોલ કર્યો હોત તો રમતનું પરિણામ અલગ હોત.’ લીઅનલ મેસી એક વર્લ્ડ કપ સીઝનમાં બે વખત પેનલ્ટી કિક ચૂકનાર પહેલો ખેલાડી બન્યો છે. તે વર્લ્ડ કપ ઇતિહાસમાં રેકૉર્ડ ૪ વખત પેનલ્ટી કિક ચૂક્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે સૌથી વધુ ૮ ગોલ નોંધાવ્યા છે. મેસી ફુટબૉલ વર્લ્ડ કપમાં નૉકઆઉટની સતત ૬ મૅચ અને ઓવરઑલ ૯ મૅચમાં સતત ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો છે.
વર્લ્ડ કપ ઇતિહાસમાં હાઇએસ્ટ 31 મૅચ રમનાર ફુટબૉલર બન્યો લીઅનલ મેસી. ભૂતપૂર્વ અમેરિકન મહિલા ફુટબોલર ક્રિસ્ટીન લિલીનો ૩૦ મૅચનો રેકૉર્ડ તોડ્યો.
મૅચ દરમ્યાન ઇજિપ્તના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફની રેફરી સાથે બોલાચાલી થઈ હતી
ઇજિપ્ત ફુટબૉલ અસોસિએશને ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનમાં એક સત્તાવાર ફરિયાદ સબમિટ કરી છે. આર્જેન્ટિના સામેની હારના મામલે તેમણે રેફરી અને VAR એટલે વિડિયો અસિસ્ટન્ટ રેફરી ટીમ સામે તપાસની વિનંતી કરી છે.
ઇજિપ્ત ફુટબૉલે કહ્યું, ‘કેટલાક નિર્ણયોથી મૅચ પર ખોટી અસર થઈ છે એટલે અધિકારીઓના પ્રદર્શનની સમીક્ષા કરવી જોઈએ. જો કોઈ ભૂલ જોવા મળે તો યોગ્ય પગલાં લેવા કહ્યું છે.
મૅચમાં એક તબક્કે ઇજિપ્તના ખેલાડીઓએ પોતાની ગોલપોસ્ટથી બૉલને આર્જેન્ટિનાની ગોલપોસ્ટ સુધી માત્ર ૩૦ સેકન્ડની અંદર લઈ જઈને ગોલ કર્યો હતો. જોકે આર્જેન્ટિનાના એક ખેલાડીને ધક્કો મારવા બદલ રેફરીએ ફાઉલ જાહેર કરીને ઇજિપ્તનો એ ગોલ કૅન્સલ કર્યો હતો.
મામલે રેફરી સાથેની બોલાચાલી દરમ્યાન ઈજિપ્તના હેડ કોચ હોસમ હસને હાથથી Xનું સૂચન કરીને અમારી સાથે કથિત જાતિવાદી દુર્વ્યવહાર થઈ રહ્યો છે એવા હાવભાવ કર્યા હતા. ઉગ્ર થઈ રહેલા ઇજિપ્તના કોચિંગ સ્ટાફને રેફરીએ યલો અને રેડ કાર્ડ પણ દેખાડ્યાં હતાં.
ગઈ કાલે વર્લ્ડ કપ 2026ની રાઉન્ડ ઑફ 16 મૅચમાં સ્વિટ્ઝરલૅન્ડે કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવ્યું હતું. આ જીત સાથે સ્વિટ્ઝરલૅન્ડ ૧૯૫૪ પછી પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું. તેઓ ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ૧૨ જુલાઈએ ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો રમશે.
૧૩મી વખત વર્લ્ડ કપ રમનાર સ્વિટ્ઝરલૅન્ડ નવમી વખત રાઉન્ડ ઑફ 16 મૅચ રમી રહ્યું હતું. તેઓ ૧૯૩૪, ૧૯૩૮ અને ૧૯૫૪માં ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચીને પોતાનું બેસ્ટ વર્લ્ડ કપ પ્રદર્શન નોંધાવી ચૂક્યા છે. સાતમી વખત વર્લ્ડ કપ રમનાર કોલંબિયા માત્ર ૨૦૧૪માં ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યું હતું.
ફુટબૉલ વર્લ્ડ કપના ૯૬ વર્ષના ઇતિહાસમાં ૮ ટીમો ચૅમ્પિયન બની છે. એમાંથી આર્જેન્ટિના (૧૯૭૮, ૧૯૮૬ અને ૨૦૨૨), ફ્રાન્સ (૧૯૯૮ અને ૨૦૧૮), સ્પેન (૨૦૧૦) અને ઇંગ્લૅન્ડ (૧૯૬૬) આ વખતે ત્રેવીસમી આવૃત્તિમાં ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી ચૂક્યાં છે.
પાંચ વખતનું ચૅમ્પિયન બ્રાઝિલ રાઉન્ડ ઑફ 16, ૪ વખતનું ચૅમ્પિયન જર્મની રાઉન્ડ ઑફ 32 અને બે વખતનું ચૅમ્પિયન ઉરુગ્વે ગ્રુપ-સ્ટેજ રમીને આઉટ થઈ ગયાં હતાં. ૪ વખતનું ચૅમ્પિયન ઇટલી આ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું નહોતું.
|
ફુટબૉલ વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ |
|
|
૧૦ જુલાઈ, મધરાતે ૧.૩૦ વાગ્યે |
ફ્રાન્સ vs મોરક્કો |
|
૧૧ જુલાઈ, મધરાતે ૧૨.૩૦ વાગ્યે |
સ્પેન vs બેલ્જિયમ |
|
૧૨ જુલાઈ, મધરાતે ૨.૩૦ વાગ્યે |
નૉર્વે vs ઇંગ્લૅન્ડ |
|
૧૨ જુલાઈ, સવારે ૬.૩૦ વાગ્યે |
આર્જેન્ટિના vs સ્વિટ્ઝરલૅન્ડ |