05 July, 2026 11:25 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent
ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 32ના મુકાબલામાં કેપ વર્ડીને ૩-૨થી હરાવ્યું હતું
ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 32ના મુકાબલામાં કેપ વર્ડીને ૩-૨થી હરાવ્યું હતું. ૭ જુલાઈએ રાઉન્ડ ઑફ 16માં આર્જેન્ટિનાની ટક્કર ઇજિપ્ત સામે થશે. ૧૮મી વખત વર્લ્ડ કપ રમનાર ત્રણ વખતનું ચૅમ્પિયન આર્જેન્ટિના ૧૫મી વખત રાઉન્ડ ઑફ 16માં રમશે.
માયામીમાં આયોજિત આ મૅચમાં આર્જેન્ટિનાના ૨૯મી અને ૯૨મી મિનિટના ગોલની સામે કેપ વર્ડીએ ૫૯મી અને ૧૦૩મી મિનિટે ગોલ કરીને મૅચને લેવલ કરી હતી. અેક્સ્ટ્રા ટાઇમ દરમ્યાન કેપ વર્ડીના ડીની બોર્જેસે ૧૧૧મી મિનિટે પોતાની જ ટીમના ગોલપોસ્ટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ આપી દીધી હતી. પહેલી જ વખત વર્લ્ડ કપ રમીને નૉકઆઉટ સુધી પહોંચનાર ૫.૨૫ લાખની વસ્તીવાળા ટાપુ દેશ કેપ વર્ડીએ છેલ્લે સુધી ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાના શ્વાસ અધધર રાખ્યા હતા.
કેપ વર્ડીનો વોઝીન્ય સૌથી વધુ ફૉલોઅર્સવાળો ગોલકીપર બન્યો
ફુટબૉલ વર્લ્ડ કપ 2026 દરમ્યાન શાનદાર પ્રદર્શન કરીને કેપ વર્ડીનો વોઝીન્ય આખી દુનિયામાં છવાઈ ગયો છે. ૨૧.૭ મિલ્યન ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ સાથે વોઝીન્ય વિશ્વમાં સૌથી વધુ ફૉલોઅર્સવાળો ગોલકીપર બની ગયો છે. આર્જેન્ટિના સામે તેણે મેસી સહિતના ખેલાડીઓના ૮ ગોલ શૉર્ટને ગોલપોસ્ટ સુધી અટકાવ્યા હતા. મૅચ બાદ મેસી સાથેની વાતચીતનો ખુલાસો કરતાં વોઝીન્યએ કહ્યું કે ‘રમત પછી હું મેસી પાસે ગયો. તેણે મને ગળે લગાવ્યો અને કહ્યું, ‘તું શાનદાર છે. તારા દેશના લોકોને તારા પર ગર્વ હોવો જોઈએ.’ મારા માટે અે અવિશ્વસનીય હતું. મેસી પાસેથી આવા શબ્દો સાંભળવાનું ઘણું અર્થપૂર્ણ થાય છે.
૨૯મી મિનિટે ગોલ કરીને લીઅનલ મેસીએ આ રેકૉર્ડ કર્યા
ફુટબૉલ વર્લ્ડ કપમાં ૩૦મી મૅચ રમનાર પહેલો પ્લેયર બન્યો.
વર્લ્ડ કપમાં રેકૉર્ડ ૨૦ ગોલ કરનાર પહેલો ફુટબૉલર બન્યો.
ફુટબૉલ વર્લ્ડ કપમાં સતત ૮ મૅચમાં ગોલ કરનાર એકમાત્ર ખેલાડી બન્યો.
બે ફુટબૉલ વર્લ્ડ કપમાં ૭ પ્લસ ગોલ કરનાર પહેલો પ્લેયર બન્યો.
વર્લ્ડ કપમાં સૌથી વધુ ૯ ગોલ આસિસ્ટ કરવાનો રેકૉર્ડ કર્યો.
વર્લ્ડ કપ નૉકઆઉટમાં સૌથી વધુ ૧૨ ગોલમાં યોગદાન આપનાર પ્લેયર બન્યો.
૩૫ વર્ષની ઉંમર પછી સૌથી વધુ ૧૪ ગોલ કરનાર ખેલાડી બન્યો.
સૌથી વધુ ૧૪ ટીમો સામે વર્લ્ડ કપમાં ઓછામાં ઓછો એક ગોલ કર્યો.
કોલંબિયાએ શનિવારે ઘાના સામે ૧-૦થી જીત નોંધાવીને રાઉન્ડ ઑફ 16 માટે ક્વૉલિફાય કર્યું હતું. ૧૪મી મિનિટે ગોલ કર્યા બાદ કોલંબિયાએ હરીફ ટીમને એક પણ ગોલ કરવા દીધો નહોતો. ૮ જુલાઈએ કોલંબિયાની ટક્કર સ્વિટ્ઝરલૅન્ડ સામે મધરાતે ૧.૩૦ વાગ્યાથી શરૂ થશે. આ જીત સાથે કોલંબિયા ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે. આ ટીમે અગાઉ ગ્રુપ-સ્ટેજમાં ઉઝબેકિસ્તાન અને કૉન્ગોને હરાવ્યા હતા અને પોર્ટુગલ સાથે ડ્રૉ મૅચ રમી હતી. છઠ્ઠી વખત વર્લ્ડ કપ રમનાર કોલંબિયા ચોથી વખત રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું છે. પાંચમી વખત વર્લ્ડ કપ રમનાર ઘાના અગાઉ ૨૦૦૬ અને ૨૦૧૦માં જ રાઉન્ડ ઑફ 16માં પહોંચવામાં સફળ રહ્યું હતું.