મારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ : સંજીત

02 June, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયાને મળ્યો નવો બૉક્સિંગ ચૅમ્પિયન, ૯૧ કિલોગ્રામ કેટેગરીમાં જીત્યો ગોલ્ડ

એશિયન બૉક્સિંગ ચૅમ્પિયન ટ્રોફી સાથે સંજીત. પી.ટી.આઈ.

ભણવાનું ગમતું નહોતું તેથી બૉક્સિંગને પસંદ કરી હતી પરંતુ દસ વર્ષની કરિઅરમાં સૌથી શ્રેષ્ઠ ક્ષણ આવી જ્યારે દુબઈમાં યોજાયેલી એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સંજીતે ઑલિમ્પિકમાં મેડલ જીતનારને હરાવ્યો. હરિયાણાના રોહતકમાં રહેતા ૨૬ વર્ષના ખેલાડીએ કઝાકસ્તાનના વસીલી લેવીટ(Vassiliy Levit ) સોમવારે રમાયેલી ફાઇનલમાં હરાવ્યો હતો. વસીલે ૨૦૧૬માં સિલ્વર મેડલ જીત્યો હતો. 

અગાઉ ૨૦૧૮માં લેવીટે ૯૧ કિલોગ્રામની કેટેગરીમાં સંજીતને હરાવ્યો હતો. ભારત પરત ફરતા પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં સંજીતે કહ્યું હતું કે ‘હું પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો પરંતુ ઑલિમ્પિકમાં મેડલ જીતનારને હરાવવો મારા જીવનની મહત્વની ક્ષણ હતી. મારા ભાઈને જોઈને હું બૉક્સિંગ તરફ આકર્ષીત થયો હતો. એ જ મારો કોચ પણ હતો.’

ઑલિમ્પિક્સ પહેલાં તાલીમ માટે વિદેશ જશે ભારતીય બૉક્સરો
દુબઈમાં તાજેતરમાં સંપન્ન થયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરનાર અને ઑલિમ્પિક્સ માટે સિલેક્ટ થયેલા ૯ બૉક્સરો વધુ તાલીમ માટે ત્રણ સપ્તાહ માટે વિદેશ જશે. પુરુષોની બૉક્સિંગના હાઈ પર્ફોર્મન્સ ​ડિરેક્ટર સૅન્ટિઆગો નીવાએ કહ્યું હતું કે ૨૩ જુલાઈથી ઇવેન્ટ શરૂ થાય એના પાંચથી સાત દિવસ પહેલાં બૉક્સર્સ ટોક્યો પહોંચશે. ક્યાં જવાનું એ થોડા દિવસમાં નક્કી થશે. કોરોનાને લીધે ભારતમાં સરખી રીતે ટ્રેઇનિંગ થઈ શકશે કે નહીં એ મામલે શંકા છે. તાજેતરમાં દુબઈમાં રમાયેલી સ્પર્ધામાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૮ બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.

boxing sports news sports