28 September, 2026 09:41 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સ સ્ક્વૉશ
એશિયન ગેમ્સ 2026ની ફાઇનલમાં મલેશિયાના પ્રતિસ્પર્ધીઓ સામે હાર્યા બાદ ભારતીય સ્ક્વૉશ સ્ટાર્સ અનાહત સિંહ અને અભય સિંહે ગઈ કાલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ડેબ્યુ કરી રહેલી સ્ક્વૉશની રમતમાં તેઓ ડાયરેક્ટ એન્ટ્રી કરતાં પણ ચૂકી ગયા હતા.
પચીસ વર્ષના અભય સિંહને પુરુષોની સિંગલ્સ ફાઇનલમાં મલેશિયાના ઇન યોવ એનજી સામે સીધા સેટમાં ૯-૧૧, ૫-૧૧, ૫-૧૧થી હાર મળી હતી. ૧૮ વર્ષની અનાહત સિંહ મહિલા સિંગલ્સ ફાઇનલમાં મલેશિયાની શિવસાંગરી સુબ્રમણ્યમ સામે ૪-૧૧, ૪-૧૧, ૭-૧૧થી હારી ગઈ હતી.
ગોલ્ડ મેડલ જીતનાર મલેશિયાના બન્ને ખેલાડીઓ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનાર પહેલા બે ખેલાડી બન્યા છે.
અનાહત સિંહે અગાઉ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઇવેન્ટમાં એમ બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. અભય સિંહે એ જ એશિયન ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.