જૉકોવિચની હાજરીથી ઑસ્ટ્રેલિયામાં જોખમ વધશે : ઇમિગ્રેશન મિનિસ્ટર

16 January, 2022 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજની અદાલતી સુનાવણી પહેલાં ઍલેક્સ હૉકે કહ્યું, ‘જૉકોવિચને કારણે દેશમાં અસંતોષ પણ ફેલાશે, રૅલી અને સરઘસો નીકળશે’

જૉકોવિચને ગઈ કાલે ફરી પાછો મેલબર્નમાં કેદીની જેમ રાખવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના કાનૂન મુજબ વિઝાના અભાવે તેને અટકમાં લેવાયો હતો અને પોલીસની દેખરેખ હેઠળ તેના વકીલ પાસે જવા દેવાયો હતો. (એ.પી./પી.ટી.આઇ.)

સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ કોવિડ વિરોધી વૅક્સિન લીધા વગર ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા આવ્યો એને પગલે ઑસ્ટ્રેલિયા સરકારે બે વખતે તેના વિઝા રદ કરી નાખ્યા. ત્યાર બાદ હવે જૉકોવિચે છેલ્લી વાર ઉપલી અદાલતનનાં દ્વાર ખખડાવ્યાં છે અને એની આજની સુનાવણી પહેલાં ગઈ કાલે ઇમિગ્રેશન મિનિસ્ટર અઍલેક્સ હૉકે ચોંકાવનારા નિવેદનમાં કહ્યું કે ‘જૉકોવિચને લીધે ઑસ્ટ્રેલિયામાં વૅક્સિન-વિરોધી વલણ વધી શકે, એટલું જ નહીં, દેશમાં આરોગ્ય જોખમાઈ શકે, બરાબર ચાલતી વ્યવસ્થામાં વિઘ્ન આવી શકે તેમ જ લોકોમાં અસંતોષ પણ વધે તો નવાઈ નહીં. દેશમાં રૅલી અને સરઘસ નીકળશે. જૉકોવિચે ગયા મહિને કોવિડના પૉઝિટિવ રિપોર્ટ પછી પ્રોટોકોલનું જે રીતે પાલન નહોતું કર્યું એવા તેના વર્તનને કદાચ અહીંનો યુવા વર્ગ અનુસરે તો નવાઈ નહીં, જેને પરિણામે છેવટે દેશમાં વાઇરસનો ફેલાવો વધી શકે છે.’
જૉકોવિચ પાછો અટકમાં
જૉકોવિચને મેલબર્નના પ્રી-ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર (હોટેલ)માં અટકમાં રાખવામાં આવ્યો છે. આજની અદાલતની સુનાવણી સંબંધમાં પોતાના વકીલ સાથે ચર્ચા કરવા તેને ગઈ કાલે આ હોટેલમાંથી નીકળવાની છૂટ મળી હતી. જોકે તેને પાછા સેન્ટરમાં આવી જવાની સૂચના અપાઈ હતી.
વહેલા પરાજય માટે પ્રાર્થના થશે
જો આજની સુનાવણીમાં જૉકોવિચ જીતી જશે તો તેને ઑસ્ટ્રેલિયા છોડવાનું નહીં કહી શકાય, પણ તેના ઘણા વિરોધીઓ ઇચ્છશે કે તે વહેલાસર ઑસ્ટ્રેલિયન ઓપનમાં હારી જાય અને દેશભેગો થઈ જાય.

sports sports news