વર્લ્ડ નંબર ટૂ મેડવેડેવ આસાનીથી, સબાલેન્કા સંઘર્ષ પછી બીજા રાઉન્ડમાં

19 January, 2022 02:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઑપનમાં ઍન્ડી મરે પાંચ વર્ષે પાંચ સેટની રસાકસીમાં જીત્યો

મેલબર્નમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનનો પ્રથમ રાઉન્ડ સહેલાઈથી જીત્યા બાદ રશિયાનો મેડવેડેવ

પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે દ્વિતીય ક્રમાંકિત રશિયાના ડેનિલ મેડવેડેવે સ્વિટ્ઝરલૅન્ડના હેન્રી લાકસોનેનને સ્ટ્રેઇટ સેટમાં ૬-૧, ૬-૪, ૭-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ નંબર ટૂ મેડવેડેવે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં જૉકોવિચના હાથે પરાજય જોવો પડ્યો હતો, પરંતુ તેને યુએસ ઓપનની ફાઇનલમાં હરાવીને પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની સાથે જૉકોવિચને ઐતિહાસિક ૨૧મા ટાઇટલથી વંચિત પણ રાખ્યો હતો.
જૉકોવિચ નથી એટલે મેડવેડેવને મોકો
વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ કોવિડ-વિરોધી વૅક્સિન લીધા વિના રમવા આવ્યો હોવાથી તેને ઑસ્ટ્રેલિયાથી પાછો રવાના કરાતાં હવે સિંગલ્સનું ટાઇટલ જીતવાનો ભૂતપૂર્વ ચૅમ્પિયન રાફેલ નડાલ ઉપરાંત મેડવેડેવને પણ મોકો છે. નડાલ બીજા રાઉન્ડમાં પહોંચી ચૂક્યો છે.
મરે પાંચ વર્ષે પાંચ સેટમાં જીત્યો
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ઍન્ડી મરે ઑસ્ટ્રેલિયન ઓપનમાં પાંચ વખત રનર-અપ રહ્યો છે અને ગઈ કાલે તે પ્રથમ રાઉન્ડમાં નિકોલોઝ બેસિલાશવિલી સામે પાંચ સેટના સંઘર્ષમાં ૬-૧, ૩-૬, ૬-૪, ૫-૭, ૬-૪થી જીત્યો હતો. મરે પાંચ વર્ષે આ સ્પર્ધાની મૅચ જીત્યો છે. તે ૨૦૧૮માં અહીં રમ્યો નહોતો, ૨૦૧૯માં પહેલો રાઉન્ડ હાર્યો હતો અને ૨૦૨૦ તથા ૨૦૨૧ની સ્પર્ધામાં પણ નહોતો રમ્યો.
મુગુરુઝા જીતી, ક્વિટોવા હારી
ગઈ કાલે મહિલાઓના વર્ગમાં વર્લ્ડ નંબર ટૂ અને સ્પર્ધાની સેકન્ડ-સીડેડ બેલારુસની અરીના સબાલેન્કાએ પહેલા રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયાની સ્ટૉમ સૅન્ડર્સને ૫-૭, ૬-૩, ૬-૨થી હરાવી હતી.
થર્ડ-સીડેડ ગાર્બિન્યે મુગુરુઝા સતત દસમી વાર ઑસ્ટ્રેલિયન ઓપનનો પ્રથમ રાઉન્ડ જીતી હતી. તેણે ૭૭મી રૅન્કની ક્લૅરા બુરેલને ૬-૩, ૬-૪થી હરાવી હતી. જોકે ૨૩મા ક્રમની કૅનેડિયન પ્લેયર લેલાહ ફર્નાન્ડિઝ ૧૩૩મા ક્રમની મેડિસન ઇંગ્લિસ સામે ૨-૬, ૪-૬થી હારી ગઈ હતી.
બે વાર વિમ્બલ્ડનનું ટાઇટલ જીતનાર પેટ્રા ક્વિટોવા ગઈ કાલે સોરાના કિર્સ્ટિયા સામે ૨-૬, ૨-૬થી પરાજિત થઈ હતી.

sports sports news