નડાલ સાતમી વાર સેમી ફાઇનલમાં, રેકૉર્ડ ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ હવે હાથવેંતમાં

26 January, 2022 11:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ સેટના સંઘર્ષમાં કૅનેડાના ડેનિસ શાપોવાલોવને ૬-૩, ૬-૪, ૪-૬, ૩-૬, ૬-૩થી મહાત આપી

રાફેલ નડાલ

મેલબર્નમાં ચાલી રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સ્પેનના રાફેલ નડાલે ક્વૉર્ટર ફાઇનલમાં પાંચ સેટના સંઘર્ષ બાદ વિજય મેળવીને સાતમી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૨૦ ટાઇટલ જીતીને નડાલ અત્યારે રૉજર ફેડરર અને નોવાક જૉકોવિચ સાથે સૌથી વધુ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો સંયુક્ત રેકૉર્ડ ધરાવે છે અને એ બન્ને દિગ્ગજની ગેરહાજરીમાં નડાલને ઐતિહાસક ૨૧મી ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતવાનો ગોલ્ડન ચાન્સ છે. આ રેકૉર્ડ ૨૧મા ટાઇટલથી નડાલ હવે ફક્ત બે ડગલાં દૂર છે.
ઇન્જરી છતાં ખૂબ લડ્યો
ગઈ કાલે કૅનેડાના ડેનિસ શાપોવાલોવને રોમાંચક અને સંઘર્ષપૂર્ણ પાંચ સેટના મુકાબલામાં ૬-૩, ૬-૪, ૪-૬, ૩-૬, ૬-૩થી માત આપી હતી. નડાલે પ્રથમ બન્ને સેટ જીતીને આસાનીથી સેમી ફાઇનલમાં પ્રવેશની તૈયારી કરી લીધી હતી, પણ ૨૨ વર્ષના શાપોવાલોવે ત્યાર બાદ તેનો અસલી ટચ બતાવતાં ત્રીજો અને ચોથો સેટ જીતીને કમાલનું કમબૅક કરીને બરોબરી કરી લીધી હતી. રાફેલ આ અણધાર્યા વળતા પ્રહારથી ડઘાઈ ગયો હતો, પણ હિંમત નહોતો હાર્યો અને પાંચમા અને નિર્ણાયક સેટમાં તેનો અનુભવ કામે લગાવીને ૬-૩થી જીતીને સેમી ફાઇલનમાં પ્રવેશ કરી લીધો હતો. 
૨૦૦૯માં ઑસ્ટ્રેલિયન ઓપન જીતનાર નડાલ ગઈ આખી સીઝન પગની ઇન્જરીને લીધે ઑલમોસ્ટ કોર્ટથી દૂર રહ્યો હતો. એ ઉપરાંત ડિસેમ્બરમાં તે કોરોનાગ્રસ્ત થયો હતો. ગઈ કાલે પણ પ્રથમ બે સેટ જીત્યા બાદ પેટમાં દુખાવાને લીધે તેને વારંવાર સારવાર લેવી પડી હતી. ચોથા સેટ બાદ તેણે મેડિકલ ટાઇમ-આઉટ લઈને કોર્ટની બહાર જવું પડ્યું હતું. પણ દરેક અવરોધનો મુકાબલો કરીને તે યોદ્ધાની જેમ લડ્યો હતો અને વિજય મેળવ્યો હતો. તેને ખબર હતી કે જૉકોવિચ અને ફેડરર જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં તેને માટે ૨૧મું ટાઇટલ જીતવાનો સુવર્ણ મોકો છે. 
સેમી ફાઇનલમાં હવે નડાલનો મુકાબલો સાતમા ક્રમાંકિત મૅટીઓ બેરેટિની સામે થશે. બેરેટિનીએ નડાલની જેમ જ પંચ સેટના સંઘર્ષમાં ગેઇલ મોન્ફિલ્સને ૬-૪, ૬-૪, ૩-૬, ૩-૬, ૬-૨થી હરાવીને સંઘર્ષપૂર્ણ વિજય મેળવ્યો હતો. 
જજથી નારાજ હતો શાપોવાલોવ 
ગઈ કાલે કમાલની ફાઇટ-બૅક છતાં હાર થતાં કૅનેડાના શાપોવાલોવે નડાલને જજ દ્વારા મળેલી ફેવરને લીધે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રથમ બે સેટ હાર્યા બાદ શાપોવાલોવે ત્રીજો અને ચોથા સેટ જીતીને લય મેળવી લીધો હતો અને  ત્યારે જ નડાલ મેડિકલ ટાઇમ-આઉટ લઈને કોર્ટની બહાર જતો રહ્યો હતો. પાછો ફર્યા બાદ નડાલે તેનો અસલી ટચ બતાવ્યો હતો અને શાનદાર વિજય મેળવ્યો હતો. આમ જજ દ્વારા નડાલને અપાયેલા મેડિકલ ટાઇમ-આઉટને લીધે શાપોવાલોવે જજને ભ્રષ્ટ ગણાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. 

લાજવાબ બાર્ટી અને મેડિસનનો મૅજિક

મહિલા સિંગલ્સ વિભાગમાં વર્લ્ડ નંબર વન અને હૉટ ફેવરિટ ઑસ્ટ્રેલિયાની લાડકી ઍશ્લેઘ બાર્ટીએ તેનો ટચ જાળવી રાખતાં ૨૧મા ક્રમાંકિત જેસિકા પેગુલાને આસાનીથી ૬-૨, ૬-૦થી હરાવીને સેમી ફાઇલનમાં પ્રવેશ કરી લીધો હતો. બાર્ટીનો સેમી ફાઇનલમાં મુકાબલો તેની જેમ જ ક્વૉર્ટર ફાઇનલમાં સીધા સેટમાં વિજય મેળવનાર અનસીડેડ મેડિસન કી  સામે થશે. મેડિસને ચોથા ક્રમાંકિત બોરબોરા ક્રેજસિકોવા સામે ૬-૩, ૬-૨થી જીત મેળવીને મોટો અપસેટ સરજ્યો હતો.

પરાજય સાથે સાનિયાની ઑસ્ટ્રેલિયન ઓપનને બાય-બાય

આ સીઝનના અંતે સંન્યાસની જાહેરાત કરનાર ભારતની સાનિયા મિર્ઝા ગઈ કાલે મિક્સ્ડ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં હારી જતાં ઑસ્ટ્રેલિયન ઓપનની તેની સફરનો અંત આવી ગયો હતો. ગઈ કાલે સાનિયા અને તેનો અમેરિકન પાર્ટનર રાજીવ રામ સીધા સેટમાં ૪-૬, ૬-૭થી હારીને આઉટ થઈ ગયાં હતાં. સાનિયા એ પહેલાં મહિલા ડબલ્સમાં પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ હતી. ૩૫ વર્ષની સાનિયા ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી છે અને તે ત્રણ મહિલા ડબલ્સ અને ત્રણ મિક્સ્ડ ડબલ્સ એમ કુલ ૬ ગ્રૅન્ડ સ્લૅમ જીતી છે. 

ટીકા બાદ મળી પરમિશન

એક સરકારી અધિકારી પર જાતીય શોષણનો આરોપ મૂક્યા બાદ લાપતા થયેલી ચીનની ટેબલ ટેનિસ ખેલાડીના સમર્થનમાં ‘વેર ઇઝ પેન શુઈ?’ લખેલા ટી-શર્ટ સાથે ઑસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ પ્રેક્ષકોને પરવાનગી નહોતી આપી. આ નિર્ણયની લેજન્ડ ખેલાડી માર્ટિના નાવરોતિલોવા સહિત અનેક લોકોએ ખૂબ ટીકા કરી હતી. સોશ્યલ મીડિયામાં પણ આ નિર્ણય વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આખરે આયોજકોએ ઝૂકવું પડ્યું હતું અને ‘વેર ઇઝ પેન શુઈ?’ લખેલા ટી-શર્ટ અને ફ્લૅગ સાથે પ્રેક્ષકોને પ્રવેશની છૂટ આપી હતી.

sports sports news