ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજસિકોવા બની ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન

13 June, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેક રિપબ્લિકનની અનસીડેડે ગઈ કાલે ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રશિયન અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવાને ત્રણ સેટમા સંઘર્ષ બાદ હરાવીને બની ચૅમ્પિયન. સતત છઠ્ઠા વર્ષે ફર્સ્ટ ટાઇમ બની ચૅમ્પિયન

બારબોરા ક્રેજસિકોવા

ગઈ કાલે પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં રશિયન અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવાને ત્રણ સેટના જંગમાં ૬-૧, ૨-૬, ૬-૪થી હરાવીને ચેક રિપબ્લિકનની બારબોરા ક્રેજસિકોવા ચૅમ્પિયન બની ગઈ હતી. બન્ને ખેલાડીઓ પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલમાં રમી રહી હતી અને એમાં જીત મેળવીને ક્રેજસિકોવા પહેલી ટ્રોફી ઘરે લઈ ગઈ હતી. 

ડબલ સ્પેશ્યલિસ્ટ ક્રેજસિકોવાની સિંગલ્સમાં આ માત્ર પાંચમી જ ગ્રૅન્ડ સ્લૅમ હતી. આ ઉપરાંત ફ્રેન્ચ ઓપનમાં છેલ્લાં પાંચ વર્ષમાં ચૅમ્પિયન બનનાર એ ત્રીજી અનસીડેડ ખેલાડી બની હતી. 

ક્રેજસિકોવાનું આ બીજું જ ડબ્લ્યુટીએ સિંગલ્સ ટાઇટલ હતું અને પહેલું તે ફ્રેન્ચ ઓપન પહેલાં જ રમાયેલી સ્ટ્રાસબર્ગ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં જીતી હતી. આમ હવે તે સતત ૧૨ મૅચથી અજેય છે. 

ક્રેજસિકોવા સાથે ફ્રેન્ચ ઓપનમાં સતત છઠ્ઠા વર્ષે કોઈ ખેલાડીએ તેના પહેલા ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતી છે. 

પવલ્યુચેન્કોવા ૫૧ ગ્રૅન્ડ સ્લૅમમાં સંઘર્ષ બાદ આખરે બાવનમી વખત ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ થઈ હતી પણ ટ્રોફી નહોતી જીતી શકી અને રનર-અપથી સંતોષ માનવો પડ્યો હતો. 

આજે ડબલ્સમાં પણ કમાલ કરવાની તક
ડબલ સ્પેશ્યલિસ્ટ ક્રેજસિકોવા ડબલ્સમાં પણ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે પાર્ટનર કૅટેરિયા સિનિયાકોવા આજે ઇગા સ્વિયાટેક અને બૅથરિન મૅટ્ટેક-સૅન્ડ્સની જોડી સામે ફાઇનલ રમશે. જો ક્રેજસિકોવા આજે પણ જીતશે તો એક જ વર્ષે સિંગલ્સ અને ડબલ્સ બન્નેમાં ચૅમ્પિયન બનનાર ૨૦૦૦માં મૅરી પિયર્સ બાદ તે પહેલી મહિલા ખેલાડી બનશે. 

roland garros french open tennis news sports news sports