ઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો

28 November, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

૨૦૨૨ના નવેમ્બર-ડિસેમ્બરમાં આરબ દેશ કતારમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં આપણને યા તો ફરી એક વાર ઇટલીની ટીમ નહીં જોવા મળે અથવા પોર્ટુગલની બાદબાકી થશે એટલે કે સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નહીં જોવા મળે. કારણ એ છે કે ઇટલી અને પોર્ટુગલ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ નથી મેળવી શક્યા. એમણે આગામી માર્ચમાં પ્લે-ઑફમાં રમવું પડશે. ઇટલી અને પોર્ટુગલ ક્વૉલિફાઇંગ પ્લે-ઑફના એક જ ગ્રુપમાં છે એટલે આ બેમાંથી એક જ ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવી શકશે.
ઇટલી માર્ચમાં પહેલાં તો પ્લે-ઑફ સેમી ફાઇનલમાં નૉર્થ મૅસેડોનિયા સામે રમશે. માની લઈએ કે ઇટલી એમાં જીતશે તો એણે નિર્ણાયક મૅચમાં પોર્ટુગલ અથવા ટર્કી સામે રમવું પડશે. ધારો કે પોર્ટુગલે સેમી ફાઇનલમાં ટર્કીને હરાવ્યું હશે તો નિર્ણાયક મુકાબલામાં એણે ઇટલી સામે આવવું પડશે અને છેવટે એ બેમાંથી એક જ ટીમ વર્લ્ડ કપમાં જશે.
ચાર વાર વર્લ્ડ કપ જીતી ચૂકેલું ઇટલી તો ૨૦૧૮ના વિશ્વકપમાં પણ ક્વૉલિફાય નહોતું થઈ શક્યું.
અન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

sports news cricket news cristiano ronaldo