23 October, 2024 07:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સાક્ષી મલિક
૨૦૧૬ ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ અને BJPના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના વિરોધ-પ્રદર્શન વિશે મોટો ખુલાસો કર્યો છે. સાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટે કુસ્તીબાજોને બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ શરૂ કરવા માટે પ્રેરિત કર્યાં હતાં જેથી તે WFIનું પ્રમુખપદ પોતાને નામે કરી શકે.
બબીતા ફોગાટે એક મીટિંગ માટે ઘણા કુસ્તીબાજોને ભેગા કર્યા હતા, તેમને ફેડરેશનની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવા વિનંતી કરી હતી જેમાં છેડતીના કેસ પણ સામેલ હતા. એવી અફવાઓ છે કે કૉન્ગ્રેસે અમારા વિરોધને સમર્થન આપ્યું છે, પરંતુ આ ખોટું છે. BJPના જ બે નેતાઓ બબીતા ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ-પ્રદર્શનની પરવાનગી અપાવવામાં મદદ કરી હતી.’
હાલમાં પોતાની ‘વિટનેસ’ નામની બુક લૉન્ચ કરનાર સાક્ષી મલિકે દાવો કર્યો હતો કે વિરોધ-પ્રદર્શનમાં તિરાડ ત્યારે પડી જ્યારે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને કેટલાક લોકોએ લાલચ આપી. ૨૦૨૩ની એશિયન ગેમ્સની ટ્રાયલ્સ માટે છૂટછાટ મેળવીને બન્નેએ વિરોધ-પ્રદર્શનને પ્રભાવિત કર્યો હતો. લોકોને લાગ્યું કે કુસ્તીબાજ પોતાના સ્વાર્થ માટે પ્રદર્શન કરી રહ્યા છે.