યુએસ ઓપનમાં કૅનેડાની ટીનેજર લેલાહનો જલવો

09 September, 2021 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લેલાહ સતત ત્રીજી મૅચમાં ત્રણ સેટના સંઘર્ષમાં વિજય મેળવવા સફળ રહી હતી અને એક અનુભવી ખેલાડીની જેમ મહત્ત્વપૂર્ણ ક્ષણે કમબૅક કરીને બધાને ચોકાવી દીધા છે. 

યુએસ ઓપનમાં કૅનેડાની ટીનેજર લેલાહનો જલવો

ન્યુ યૉર્કમાં ચાલી રહેલી વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ટુર્નામેન્ટ યુએસ ઓપનમાં કૅનેડાની ટીનેજર લેલાહ ફર્નાન્ડિઝે તેનો ડ્રીમ-રન જાળવી રાખતાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ નંબર વન જપાનની નાઓમી ઓસાકા અને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન જર્મનીની ઍન્જેલિક કર્બર જેવી ખેલાડીઓને હરાવીને જાયન્ટ કિલર બનીને છવાઈ જનાર લેલાહે તેનો જલવો ક્વૉર્ટર ફાઇનલમાં પણ જાળવી રાખ્યો હતો અને પાંચમી ક્રમાંકિત યુક્રેનની એલિના સ્વિટોલિનાને ૬-૩, ૩-૬, ૭-૬ એમ ત્રણ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. લેલાહ સતત ત્રીજી મૅચમાં ત્રણ સેટના સંઘર્ષમાં વિજય મેળવવા સફળ રહી હતી અને એક અનુભવી ખેલાડીની જેમ મહત્ત્વપૂર્ણ ક્ષણે કમબૅક કરીને બધાને ચોકાવી દીધા છે. 
આ સાથે ૭૩મી ક્રમાંકિત લેલાહ ૨૦૦૫માં મારિયા શારાપોવા બાદ સૌથી યુવા સેમી ફાઇનલિસ્ટ બની ગઈ હતી. 
લેલાહની ટક્કર હવે સેમી ફાઇનલમાં વધુ એક ટૉપની ખેલાડી સામે ટક્કર થવાની છે. સેમીમાં તે વર્લ્ડ નંબર ટૂ બલારુસની આર્યના સબલેન્કા સામે થશે. સબલેન્કા સિંગલ્સમાં વર્લ્ડ નંબર ટૂ છે અને ડબલ્સમાં નંબર વન છે અને તે ડબલ્સમાં બે ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકી છે. સબલેન્કાએ ક્વૉર્ટર ફાઇનલમાં આઠમી ક્રમાંકિત તથા ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન બારબોરા ક્રેજ્સીકોવાને ૬-૧, ૬-૪ એક સીધા સેટમાં હરાવી દીધી હતી. 
લેલાહ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં કૅનેડાનો ૨૧ વર્ષનો ફેલિક્સ ઍગર-અલીસસીમ પણ સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો હરીફ ઇન્જરીને લીધે બીજા સેટની અધવચ્ચે ખસી ગયો હતો. ફેલિક્સનો મુકાબલો સેમીમાં રશિયન ખેલાડી ડૅનિલ મેડવેદેવ સામે થશે. 
આજના મુકાબલાઓમાં સૌની નજર વર્લ્ડ નંબર વન જૉકોવિચ પર રહેશે. કૅલેન્ડર અને રેકૉર્ડ ૨૧માં ગ્રૅન્ડ સ્લૅમ સાથે ઇતિહાસ રચવાથી હવે તે માત્ર ત્રણ ડગલાં દૂર છે. જૉકોવિચનો આજે ક્વૉર્ટર ફાઇનલમાં ઇટાલિયન ખેલાડી બેરેટ્ટીની સામે થશે.

sports news sports