28 June, 2026 02:58 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent
લુકા માજસેન
સ્લોવેનિયન સ્ટ્રાઇકર લુકા માજસેન હાલમાં તેની રમત કરતાં વધારે ભગવાન શિવના ટૅટૂને કારણે ચર્ચામાં છે. ૩૬ વર્ષના લુકા માજસેને પોતાની પીઠ પર મહામૃત્યુંજય મંત્રની સાથે ભગવાન શિવનું વિશાળ ટૅટૂ કરાવ્યું છે. સ્લોવેનિયા માટે અન્ડર-19 થી અન્ડર-21 સુધી રમનાર આ ફુટબૉલર ૨૦૨૦થી ભારતની ફુટબૉલ લીગમાં રમી રહ્યો છે.
શાંતારામ નામની નવલકથા વાંચ્યા પછી લુકા માજસેનનો પરિચય ભગવાન શિવ સાથે થયો. આ પુસ્તકે એટલી રુચિ જગાવી કે તેણે હિન્દુ ફિલસૂફી અને આધ્યાત્મિકતા વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતમાં એક મિત્રને મળ્યો ત્યારે આ જિજ્ઞાસાએ વધુ વેગ પકડ્યો. જ્યારે તેના મિત્રની મમ્મી પૂજા કરી રહી હતી ત્યારે તેણે આ વિદેશી ફુટબૉલરના કપાળ પર તિલક લગાવ્યું. ત્યારથી તેને ભગવાન શિવના એક સ્વરૂપ રુદ્ર વિશે જાણવા મળ્યું.
ભારતમાં લુકા માજસેન ૨૦૨૦-’૨૧માં ચર્ચિલ બ્રધર્સ ક્લબ, ૨૦૨૧માં બૅન્ગલોર યુનાઇટેડ, ૨૦૨૨માં ગોકુલમ કેરલ, ૨૦૨૨-’૨૫માં પંજાબ ફુટબૉલ ક્લબ અને ૨૦૨૫થી ડાયમંડ હાર્બર ક્લબનો ભાગ છે.
લગભગ ૫.૨૫ લાખની વસ્તી ધરાવતા વેસ્ટ આફ્રિકાના ટાપુ દેશ કેપ વર્ડીએ ઇતિહાસ રચ્યો છે. ફુટબૉલ વર્લ્ડ કપના નૉકઆઉટમાં ક્વૉલિફાય થનાર કેપ વર્ડી સૌથી નાનો દેશ બન્યો છે. ૨૦૧૮માં આ રેકૉર્ડ આઇસલૅન્ડના નામે થયો હતો.
ગઈ કાલે સાઉદી અરેબિયા સામે કેપ વર્ડીએ ૦-૦ થી ડ્રૉ મૅચ રમી હતી. ગ્રુપ Hમાં કેપ વર્ડીએ ભૂતપૂર્વ ચૅમ્પિયન્સ સ્પેન સામે ૦-૦ અને ઉરુગ્વે સામે ૨-૨ થી ડ્રૉ મૅચ રમી હતી. આ ગ્રુપમાં સ્પેન બાદ કેપ વર્ડી બીજા ક્રમાંકે રહીને નૉકઆઉટ માટે ક્વૉલિફાય થયું છે.
પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલી કેપ વર્ડીની ટીમ રાઉન્ડ ઑફ 32માં ૪ જુલાઈએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે ટકરાશે. ૨૦૦૨માં સેનેગલ બાદ પહેલી વખત કોઈ નવોદિત ટીમે ત્રણ ડ્રૉ મૅચ રમી છે. વર્ષ ૨૦૧૦માં સ્લોવાકિયા બાદ પહેલી વખત કોઈ નવોદિત ટીમ નૉકઆઉટમાં પહોંચવામાં સફળ રહી છે.
ગ્રુપ Hમાં પહેલા ક્રમની ટીમ સ્પેને ૧-૦ની જીત સાથે ઉરુગ્વેને ત્રીજા ક્રમે રહેવા મજબૂર કર્યું હતું.
રાઉન્ડ ઑફ 32 ક્યાં સુધી ચાલશે?
૨૯ જૂનથી ૪ જુલાઈ વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપમાં રાઉન્ડ ઑફ 32નો નૉકઆઉટ રાઉન્ડ રમાશે. દરેક ટીમ એક હરીફ સામે ટકરાશે એટલે રાઉન્ડ ઑફ 32માં ૧૬ મૅચ રમાશે. વિજેતા ટીમ રાઉન્ડ ઑફ 16માં પહોંચશે. હમણાં સુધી રાઉન્ડ ઑફ 32ના પહેલા બે દિવસની મૅચોનું શેડ્યુલ પાકું થયું છે.
ભારતીય સમય અનુસાર ૨૯ જૂને મધરાતે ૧૨.૩૦ વાગ્યે સાઉથ આફ્રિકા-કૅનેડા ટકરાશે. રાતે ૧૦.૩૦ વાગ્યે બ્રાઝિલ-જપાનની ટક્કર થશે. ૩૦ જૂને મધરાતે બે વાગ્યે જર્મની અને પૅરાગ્વે જ્યારે સવારે ૬.૩૦ વાગ્યે નેધરલૅન્ડ્સ અને મોરોક્કોની સામસામે ટક્કર થશે. રાતે ૧૦.૩૦ વાગ્યે આઇવરી કોસ્ટ નૉર્વે સામે રમશે. ગ્રુપ-સ્ટેજના અંતિમ દિવસની રમતો બાદ રાઉન્ડ ઑફ 32ના બાકીના દિવસોનું શેડ્યુલ સ્પષ્ટ થશે.