ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં અલ્કારાઝ અને જૉકોવિચની જીત

31 January, 2026 05:55 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

પાંચ કલાક અને ૨૭ મિનિટની મૅચ જીતીને પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ, જૉકોવિચે ૩૮મી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં એન્ટ્રી કરી

કાર્લોસ અલ્કારાઝ, નોવાક જૉકોવિચ

ટેનિસની રમતના ફૅન્સ માટે ગઈ કાલનો દિવસ શાનદાર શુક્રવાર બન્યો બન્યો હતો. વર્ષની પહેલી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ ઑસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલ મૅચમાં શાનદાર જીત સાથે સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ અને સર્બિયાનો નોવાક જૉકોવિચ એક ફેબ્રુઆરીની ફાઇનલમાં પહોંચ્યા છે. 
નંબર વન અલ્કારાઝે નંબર થ્રી જર્મનીના પ્લેયર ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવને ૬-૪, ૭-૬ , ૬-૭ , ૬-૭ , ૭-૫થી હરાવ્યો. મૅચ બપોરની ગરમીમાં પાંચ કલાક ૨૭ મિનિટ સુધી ચાલી હતી. આ મૅચ ઑસ્ટ્રેલિયન ઓપનની અત્યાર સુધીની સૌથી લાંબી સેમી ફાઇનલ બની હતી. ૬ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર અલ્કારાઝ પહેલી વખત ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ મૅચ રમશે. અલ્કારાઝ ઓપન એરામાં બાવીસ વર્ષની ઉંમરે ચારેય ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલમાં પહોંચનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. 
છેલ્લાં બન્ને ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતનાર નંબર ટૂ ઇટલીના પ્લેયર જૅનિક સિનર સામે બીજી સેમી ફાઇનલ મૅચમાં ૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા નોવાક જૉકોવિચે ૩-૬, ૬-૩, ૪-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. સતત ચાર મૅચમાં સેમી ફાઇનલમાંથી બહાર નીકળવાનો સિલસિલો સમાપ્ત કરીને જૉકોવિચ અગિયારમી ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં પહોંચ્યો હતો. ૩૮ વર્ષ ૨૫૫ દિવસની ઉંમરે આ વર્લ્ડ નંબર ફોર પ્લેયર ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચનાર ઓલ્ડેસ્ટ પ્લેયર પણ બન્યો છે. ૪ કલાક ૯ મિનિટની સેમી ફાઇનલ મૅચ જીતીને ૩૮ વર્ષના નોવાક જૉકોવિચે પોતાની કરીઅરની ૩૮મી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં એન્ટ્રી કરી છે.

tennis news australian open australia spain novak djokovic sports news sports melbourne