મેસીનું મૅચવિનિંગ મૅજિક

21 October, 2021 04:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ લીગમાં મિલાનનો પહેલી વાર પ્રારંભમાં લાગલગાટ ત્રીજો પરાજય

ચૅમ્પિયન્સ લીગમાં મંગળવારે આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ ૮ મિનિટમાં બે ગોલ કરીને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમને શાનદાર જીત અપાવી હતી. પીએસજીએ લિપ્ઝીગ ટીમને ૩-૨થી હરાવી હતી. મેસી તાજેતરમાં બાર્સેલોના ટીમ છોડીને પીએસજીમાં જોડાયો હતો. (તસવીર : એ.એફ.પી.)

ઇટલીની ટોચની ફુટબૉલ ક્લબોમાં ગણાતી એફસી મિલાનની ટીમ ઘરઆંગણાની સેરી-એ નામની સ્પર્ધામાં આઠમાંથી એકેય મૅચ નથી હારી, પણ યુરોપના દેશો વચ્ચેની ચૅમ્પિયન્સ લીગ સ્પર્ધામાં એનું ખાતું જ ખૂલતું નથી. રોઝનેરી તરીકે ઓળખાતી આ ટીમ મંગળવારે ગ્રુપ ‘બી’માં પોર્ટો સામે ૦-૧થી હારી ગઈ હતી. મિલાનની આ લાગલગાટ ત્રીજી હાર હતી. ચૅમ્પિયન્સ લીગમાં મિલાનની ટીમ ગ્રુપ-સ્ટેજમાં પોતાની પહેલી ત્રણેય મૅચમાં પરાજિત થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

પોર્ટો ટીમ વતી લુઇસ ડાયસે ૬૫મી મિનિટમાં મૅચનો એકમાત્ર ગોલ કર્યો હતો. ઝ્લાટન ઇબ્રાહિમોવિચ સહિતના મોટા ગજાના ખેલાડીઓ પણ મિલાનને હારથી બચાવી નહોતા શક્યા. ૨૦૦૪ની યુરોપિયન ચૅમ્પિયનશિપમાં આ જ મેદાન પર સ્વીડન વતી અફલાતૂન ગોલ કરનાર ખુદ ઇબ્રાહિમોવિચે કહ્યું હતું કે અમારા ત્રણ પરાજય સૌથી આઘાતજનક છે. અમે જીતવાને લાયક જ નહોતા.’

લિવરપુલ મોખરે

ગ્રુપ ‘બી’માં લિવરપુલની ટીમ ૯ પૉઇન્ટ સાથે મોખરે છે. એણે ઍટ્લેટિકો મૅડ્રિડની ટીમને ૩-૨થી હરાવી હતી. ત્રણમાંથી બે ગોલ મોહમ્મદ સાલાહે કર્યા હતા. ઍટ્લેટિકો તથા પોર્ટો ચાર-ચાર પૉઇન્ટ છે, જ્યારે મિલાનના પૉઇન્ટ ઝીરો છે.

ઍજેક્સની ૪-૦થી જીત

ગ્રુપ ‘સી’માં ઍજેક્સની મોખરાની ટીમે બીજા નંબરની ડોર્ટમન્ડની ટીમને ૪-૦થી પરાજિત કરીને ચૅમ્પિયન્સ લીગના નૉકઆઉટ રાઉન્ડની દિશામાં છલાંગ લગાવી હતી. આ વિજેતા ટીમ ત્રણ વર્ષ પહેલાં સેમી ફાઇનલમાં પહોંચ્યા પછી ક્યારેય નૉકઆઉટમાં પ્રવેશી જ નહોતી. આ સ્પર્ધામાં ડોર્ટમન્ડની આ સૌથી કારમી હાર અને ઍજેક્સની ૧૯૭૩ પછીની સૌથી મોટી જીત છે.

ઇન્ટર મિલાનની પ્રથમ જીત

આ વખતની ચૅમ્પિયન્સ લીગમાં ઇન્ટર મિલાન ટીમે મંગળવારે પ્રથમ જીત મેળવી હતી. એણે અગાઉ અપરાજિત રહેલી શેરિફ ટીમને ૩-૧થી હરાવી હતી. ગ્રુપ ‘ડી’માં શેરિફ ટીમ રિયલ મૅડ્રિડ સાથે ૬ પૉઇન્ટ બદલ મોખરે છે.

અન્ય એક મૅચમાં (ગ્રુપ-એ)માં મૅન્ચેસ્ટર સિટીની ટીમે ક્લબ બ્રુગને ૫-૧થી પરાજિત કરી હતી. રિયલ મૅડ્રિડે શખ્તાર ડોનેસ્કની ટીમને ૫-૦થી આંચકો આપ્યો હતો. વિનિસિયસ જુનિયરે એક સોલો ગોલ સહિત કુલ બે ગોલ કર્યા હતા.

sports sports news lionel messi