22 October, 2024 02:31 PM IST | Glasgow | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026) પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ ગ્લાસગો (Glasgow)માં ૨૩ જુલાઈ થી ૨ ઑગસ્ટ ૨૦૨૬ દરમિયાન યોજાવાની છે, જેમાં માત્ર ૧૦ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગેમ્સ ગ્લાસગોમાં ચાર સ્થળો પર યોજાશે. ભારતની મુખ્ય રમતો કે જેમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને વધુ મેડલ જીત્યા છે તે પડતાં મુકવામાં આવ્યા છે. કૉમનવેલ્થ ગેમ્સમાંથી હૉકી, બેડમિન્ટન, શૂટિંગ, કુસ્તી, ક્રિકેટ અને ટેબલ ટેનિસને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૉમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડ (Scotland)ના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન ડોઇગ ઓબીઇએ કહ્યું, `અમે ગ્લાસગોને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના યજમાન તરીકે સુરક્ષિત કરવામાં આનંદ અનુભવીએ છીએ. જ્યારે અમે આ કોન્સેપ્ટને એક વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા એકસાથે લાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે અમારું ધ્યાન અલગ-અલગ રમતો બનાવવા પર હતું - જે ટૂંકા સમયની ફ્રેમમાં ઉચ્ચતમ ગુણવત્તા સાથે, નાણાકીય રીતે ટકાઉ થઈ શકે. ગ્લાસગો ૨૦૨૬માં તે તમામ નાટક, જુસ્સો અને આનંદ હશે જે આપણે જાણીએ છીએ કે કૉમનવેલ્થ ગેમ્સ પૂરી પાડે છે, જોકે અગાઉની સીઝન કરતાં હળવા સ્વરમાં. આ અમારા ચાહકોને રમતગમતની પ્રવૃત્તિઓની નજીક લાવશે. કૉમનવેલ્થ ગેમ્સ વિશ્વભરના એથ્લેટ્સના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, અને અમે ખરેખર પ્રખ્યાત સ્કોટિશ અને ગ્લાસગો આતિથ્યનો અનુભવ કરવા તેમના સપોર્ટ સ્ટાફ અને ચાહકોને આવકારવા માટે આતુર છીએ. શહેર અને દેશ માટે આ એક રોમાંચક ક્ષણ છે.`
પરંતુ કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માટે આવી ઘણી રમતોને હટાવી દેવામાં આવી છે જેમાં ભારતને મેડલ જીતવાની સૌથી વધુ તકો છે. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, હૉકી, સ્ક્વોશ, ટેબલ ટેનિસ અને કુસ્તીનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ ગેમ્સ પાછી ખેંચી લેવાથી ભારતના મેડલની સંખ્યા ઘટી શકે છે. કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતે કુલ ૬૧ મેડલ જીત્યા હતા. પણ શું તમે જાણો છો આ બધા ખેલનો સમાવેશ ન કરવાનું કારણ શું છે?
વાસ્તવમાં ગ્લાસગોને ૧૨ વર્ષ બાદ કૉમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. ગ્લાસગોએ છેલ્લે ૨૦૧૪ આવૃત્તિમાં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. તાજેતરમાં કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CSF)એ પુષ્ટિ કરી છે કે તેઓ ૨૦૨૬ કૉમનવેલ્થ ગેમ્સમાંથી ઇવેન્ટ્સ ઘટાડી રહ્યા છે. બર્મિંગહામમાં કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં કુલ ૧૯ રમતોએ ભાગ લીધો હતો, જ્યારે ૨૦૨૬ માટે ક્રિકેટ, હૉકી, ટેબલ ટેનિસ, સ્ક્વૉશ, રોડ રેસિંગ, હોકી સહિતની ઘણી રમતોને પડતી મૂકવામાં આવી હતી.
વિક્ટોરિયા પાસે કૉમનવેલ્થ ગેમ્સના આયોજનના અધિકારો હતા, પરંતુ નાણાકીય અવરોધોને કારણે તેઓ ગયા વર્ષે હોસ્ટિંગમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીમાં ઉતર્યું. એક નિવેદનમાં, CGFએ રમતગમતના કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાઇકલિંગ અને પેરા ટ્રેક સાઇકલિંગ, નેટબોલ, વેઇટલિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગ, બોક્સિંગ, જૂડોનો સમાવેશ થાય છે. બાઉલ્સ અને પેરા બાઉલ્સ, અને 3-3 બાસ્કેટબોલ અને 3-3 વ્હીલચેર બાસ્કેટબોલ.