03 August, 2026 03:27 PM IST | Glasgow | Gujarati Mid-day Correspondent
સાક્ષી ચૌધરી, અંકુશ પંઘાલ અને પ્રિયા ઘંઘાસ
કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ૧ ઑગસ્ટનો દિવસ ભારત માટે ઐતિહાસિક હતો. ૮ ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતે પહેલી વખત કૉમનવેલ્થ ગેમ્સ એક દિવસમાં ૧૬ મેડલ જીત્યા હતા. અગાઉ ૨૦૧૦માં દિલ્હીમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૬ ઑક્ટોબરે ૬-૬ ગોલ્ડ અને સિલ્વર સહિત ત્રણ બ્રૉન્ઝ મેડલ સાથે ૧૫ મેડલ જીત્યા હતા.
શનિવારે આઠમાંથી સાત ગોલ્ડ મેડલ બૉક્સિંગમાં આવ્યા હતા. ભારત પહેલી વખત એક દિવસમાં એક રમતમાં પહેલી વખત આ ગોલ્ડ મેડલ જીત્યું હતું. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે સાત ગોલ્ડ અને ત્રણ સિલ્વર સહિત ૧૦ મેડલ જીત્યા હતા. અગાઉ ભારત ૨૦૧૮ની કૉમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ નવ મેડલ જીત્યું હતું.
સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં આ વખતે ભારતને મેડલ અપાવનારી મોટા ભાગની રમતો દૂર કરાઈ હોવા છતાં ભારતના સૂરમાઓએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી દેખાડ્યું હતું. એક ઑગસ્ટના આ ઐતિહાસિક પ્રદર્શનના આધારે ભારત ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને નવ બ્રૉન્ઝ મેડલ સહિત ૩૯ મેડલ સાથે મેડલ-ટૅલીમાં ચોથા ક્રમે પહોંચ્યું હતું. ૩૧ જુલાઇના પ્રદર્શન પછી ભારત પાંચ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૬ બ્રૉન્ઝ મેડલ સહિત ૨૩ મેડલ સાથે ૧૦મા ક્રમે હતું.
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની ૬૦ કિલો કૅટેગરીમાં ભારતની બૉક્સર પ્રિયા ઘનઘસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કૅનેડાની હરીફ સામે ૪-૧ના સ્કોરથી જીત નોંધાવીને પ્રિયાએ પોતાના કરીઅરની આ સૌથી મોટી સિદ્ધિ મેળવી હતી.
હરિયાણાની પ્રિયાએ ૧૧ વર્ષની ઉંમરે ભાઈ સાથે નૅશનલ ચૅમ્પિયન રવિ સાંગવાન પાસે બૉક્સિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.ખેડૂત પરિવારની આ દીકરીએ વજનનિયંત્રણ માટે મીઠાઈઓ છોડવી પડી હતી. આ ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેણે કહ્યું કે હવે હું જલેબી અને ઘેવર જરૂરથી ખાઈશ.
હરિયાણાનો પચીસ વર્ષનો સચિવ સિવાય કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ૬૦ કિલો કૅટેગરીની બૉક્સિંગ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સચિન સિવાચે ફાઇનલ મૅચમાં નામિબિયાના ખેલાડી સામે ૩-૨થી જીત નોંધાવીને આવૃત્તિમાં પુરુષ બૉક્સર તરીકે પહેલો મેડલ અપાવ્યો હતો.
સચિને અગાઉ ૨૦૧૫ની જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ અને ૨૦૧૬ની યુથ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૦ વર્ષની ઉંમરે બૉક્સિંગની તાલીમ શરૂ કરનાર સચિન સિવાચના ખેડૂત પપ્પા કૃષ્ણ સિવાચ ઑલિમ્પિક્સ મેડલ વિજેતા બૉક્સર વિજેન્દર સિંહના પારિવારિક ભાઈ છે.
ભારતીય મહિલા બૉક્સર સાક્ષી ચૌધરીએ મહિલાઓની ૫૧ કિલો કૅટેગરીની ફાઇનલ મૅચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણાની પચીસ વર્ષની સાક્ષી સામે ૦-૫ના સ્કોરથી હાર્યા બાદ ઇંગ્લૅન્ડની રુબી વાઇટ બૉક્સિંગ રિંગમાં જ રડી પડી હતી.
બાળપણમાં સાક્ષીના આક્રમક સ્વભાવને દિશા આપવા માટે ખેડૂત માતા-પિતાએ તેનો પરિચય બૉક્સિંગથી કરાવ્યો હતો. તે બૉક્સર વિજેન્દર સિંહના ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ મેડલની સિદ્ધિથી ઘણી પ્રભાવિત થઈ હતી. આર્મી બૉક્સર સાક્ષીએ વિજેન્દર સિંહના કોચ અને દ્રોણાચાર્ય અવૉર્ડથી સન્માનિત કોચ જગદીશ સિંહના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી.
નૅશનલ ટ્રાયલ્સમાં નિખત ઝરીન અને મીનાક્ષી હૂડા જેવા ચૅમ્પિયન્સને હરાવીને તે અહીં સુધી પહોંચી હતી. ખભાની ઇન્જરીઓને કારણે સાક્ષી કૉમનવેલ્થ ગેમ્સ 2022 અને એશિયન ગેમ્સ 2023માં એન્ટ્રી મેળવી શકી નહોતી.
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અંત્રૌલી ગામથી ગ્લાસગો સુધીની સફર ખેડીને દોડવીર ગુલવીર સિંહે ઇતિહાસ રચ્યો છે. એક કૉમનવેલ્થ ગેમ્સમાં બે ઍથ્લેટિક્સ ઇવેન્ટમાં મેડલ જીતનાર ગુલવીર સિંહ પહેલો ભારતીય બન્યો છે. અગાઉ ૧૦ હજાર મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યા બાદ તે ૫૦૦૦ મીટર દોડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ૫૦૦૦ મીટરની રેસ તેણે ૧૩:૨૪:૯૫ના સમય સાથે પૂરી કરી હતી.
ગામના કાચા રસ્તા પર દોડીને તૈયારી કરનાર ગુલવીર સિંહનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. ૨૦૧૮માં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તે ભારતીય સેનામાં જોડાયો હતો. તે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં હરિયાણાનો ૨૦ વર્ષનો અંકુશ પંઘાલ પુરુષ બૉક્સિંગની ૮૦ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇંગ્લૅન્ડના હરીફ સામે શરૂઆતના રાઉન્ડમાં પાછળ રહ્યા બાદ તેણે છેલ્લા બન્ને રાઉન્ડમાં સ્માર્ટ મૂવમેન્ટ, ઝડપી બૅકહૅન્ડ પંચ અને શિસ્તબદ્ધ બચાવ દ્વારા શાનદાર કમબૅક કર્યું હતું.
અંકુશ પંઘાલ રાજ્ય સ્તરના ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડી મનોજ કુમારનો પુત્ર છે.અંકુશે હિસારમાં કોચ પ્રદીપ સાવંતની દેખરેખ હેઠળ ૧૧ વર્ષની ઉંમરે બૉક્સિંગ ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ૨૦૧૮માં પ્રથમ સ્ટેટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા પછી તેણે બૉક્સિંગ છોડવાનું વિચાર્યું, પરંતુ પપ્પા અને કોચે સમજાવ્યું હતું કે એક હારથી સફર પૂરી થતી નથી. તે દરરોજ સવારે ૨ કલાક અને સાંજે ૩ કલાક અભ્યાસ કરે છે.
રાજસ્થાનના કોટાની ૨૩ વર્ષની અરુંધતી ચૌધરીએ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને વિમેન્સ બૉક્સિંગની 70 કિલોની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફાઇનલ મૅચમાં તેણે ઇંગ્લૅન્ડની હરીફને 0-5ના સ્કોરથી માત આપી હતી. ૨૦૧૮માં માથામાં અને ૨૦૨૪માં હાથમાં ગંભીર ઇન્જરી થઈ હોવા છતાં અરુંધતીએ ઑક્ટોબર ૨૦૨૫થી વિવિધ ટુર્નામેન્ટમાં સતત પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે.
કોટાની અરુંધતી ચૌધરીએ શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને ૧૫ વર્ષની ઉંમરે બૉક્સિંગ શરૂ કરતાં પહેલાં રાજ્ય સ્તરે બાસ્કેટબૉલમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેના પપ્પા તેને ઉચ્ચ શિક્ષણ આપવા ઇચ્છતા હતા, જોકે મમ્મીના આગ્રહથી તે રમતગમતમાં આગળ વધી હતી. બૉક્સિંગ કોચના અભાવને કારણે તેના સ્થાનિક માર્શલ આર્ટ્સ ટ્રેઇનર અશોક ગૌતમ યુટ્યુબ પરથી બૉક્સિંગ શીખીને તેને તાલીમ આપતા. આ અનોખી શરૂઆતથી જ તેણે ઇન્ટરનૅશનલ સ્તરે સ્થાન મેળવ્યું છે.
આસામની ૨૮ વર્ષની બૉક્સર લવલીના બોર્ગોહેને સિલ્વર મેડલ રૂપે પોતાનો પહેલવહેલો કૉમનવેલ્થ ગેમ્સ મેડલ જીત્યો હતો. લવલીનાના મુખ્ય ઇવેન્ટ્સના મેડલ સંગ્રહમાં એક ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ, એક વર્લ્ડ ચૅમ્પિયનશિપ ગોલ્ડ અને એક એશિયન ગેમ્સ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ૭૫ કિલો કૅટેગરીની બૉક્સિંગ ફાઇનલમાં લવલીનાને ઑસ્ટ્રેલિયાની હરીફ સામે ૧-૪થી હાર મળી હતી. કૉમનવેલ્થ ગેમ્સની ૨૩મી આવૃત્તિની શરૂઆતમાં જ બાય દ્વારા સેમી-ફાઇનલમાં પહોંચીને તેણે ભારતનો પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
સ્કૉટલૅન્ડના ગ્લાસગોની ઇન્ડિયન રેસ્ટોરાં ‘મિસ્ટર સિંઘ્સ ઇન્ડિયા’ના નૅપકિન્સ પર ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હોવાથી લવલીના બોર્ગોહેને વાંધો ઉઠાવ્યો હતો. લવલીનાએ ધ્યાન દોર્યું કે નકશામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું છે અને ભાર મૂક્યો કે ભારતના દરેક ભાગનું પ્રતિનિધિત્વ થવું જોઈએ. ભારતીય બૉક્સિંગ ફેડરેશનના પ્રમુખ અજય સિંહે નોંધ્યું કે કાશ્મીરને પણ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે અને રેસ્ટોરાંને નકશામાં સુધારો કરવા કડક અપીલ કરી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં હરિયાણાનો ૩૧ વર્ષનો નરેન્દર બરવાલ પુરુષોની ૯૦ કિલોની બૉક્સિંગ કૅટેગરીની ફાઇનલમાં ઇંગ્લૅન્ડના હરીફ સામે હારીને સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય સેનાના ચિનાર કૉર્ઝના સૂબેદાર નરેન્દર બરવાલનો આ પહેલો કૉમનવેલ્થ ગેમ્સ મેડલ હતો.
ગ્રામ્ય પૃષ્ઠભૂમિ હોવા છતાં પરિવારના સહકારથી નરેન્દર બરવાલ બૉક્સિંગમાં સતત આગળ વધતો રહ્યો. સિનિયર લેવલ પર તે એશિયન ગેમ્સના બ્રૉન્ઝ મેડલ સહિત ચાર બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તે અગાઉ સિનિયર લેવલ પર બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ઉત્તરાખંડની ૨૩ વર્ષની ઉન્નતિ શર્માએ જુડોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની ૬૩ કિલો કૅટેગરીમાં તેણે સાઉથ આફ્રિકાની હરીફને બ્રૉન્ઝ મેડલ મૅચમાં હરાવી હતી. ઉન્નતિ શર્માએ એક મિનિટ અને સાત સેકન્ડના સમયમાં આ મૅચ જીતી હતી.
ઉન્નતિ શર્મા નિવૃત્ત આર્મીમૅનની દીકરી છે. બાળપણથી જ તેને રમતમાં આગળ વધવા માટે પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. બાળપણમાં પ્રથમ જુડો ટ્રેઇનિંગ દરમ્યાન હાથ તૂટ્યો હોવા છતાં તેણે એ વાત છુપાવી રાખી હતી, કારણ કે તેને રમત છોડવી ન પડે એવો ડર હતો. આ ઘટના તેની હિંમત અને સંકલ્પ દર્શાવે છે.