લવપ્રીત સિંહ ૩૮૮ કિલો વજન ઉપાડીને સિલ્વર જીત્યો, એક કિલોના અંતરથી ગોલ્ડ ચૂક્યો

01 August, 2026 12:00 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

ટેલરનો આ દીકરો શાકભાજી બજારમાં એક સમયે બોરીઓ ઉપાડીને રોજના ૩૦૦ રૂપિયા કમાતો હતો, ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ૧૧૦+ કિલો હેવીવેઇટ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

લવપ્રીત સિંહ સતત બીજી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યો હતો.

ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ૧૧૦+ કિલો હેવીવેઇટ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. પંજાબનો ૨૮ વર્ષનો લવપ્રીત સિંહ ફક્ત ૧ કિલોથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. 
વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે સ્નૅચમાં ૧૭૬ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૨૧૨ કિલો વજન ઉપાડીને કુલ ૩૮૮ કિલો વજન નોંધાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડનો હરીફ ૩૮૯ કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૨૨ના કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦૯ કિલો વજન કૅટેગરીમાં લવપ્રીત સિંહે ૩૯૦ કિલોનું વજન ઉપાડીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.  
લવપ્રીત સિંહે કહ્યું કે ‘હું ગોલ્ડ મેડલ ચૂકી ગયો. સ્વાભાવિક રીતે જ્યારે તમે ગોલ્ડ ન જીતો ત્યારે દુઃખ થાય છે. હું આગામી સ્પર્ધાઓમાં જેમ કે એશિયન ગેમ્સમાં વધુ સારું પ્રદર્શન કરીશ. હું મારો મેડલ મારા કોચ વિજય શર્મા, ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન, ભારત સરકાર અને ભારતીય નૌકાદળના કૅપ્ટન વિજય કુમારને સમર્પિત કરવા માગું છું. તે બધાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે અને હું તે બધાનો આભાર માનું છું. ‘ 
કિશોર હતો ત્યારે લવપ્રીત સિંહે મજૂર જેવું કામ પણ કર્યું હતું. સવારે ચાર વાગ્યે અમૃતસરના શાકભાજી બજારમાં તે બોરીઓ ઉતારીને હોલસેલ વિક્રેતાઓને મદદ કરતો. ત્યાર પછી તે  શાળા અને તાલીમની તૈયારી માટે ઘરે જતો હતો. તેને દરરોજ ૩૦૦ રૂપિયા મળતા હતા. એ પૈસાને તે વેઇટલિફ્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવામાં લગાવતો હતો. તેના પપ્પા ટેલર અને દાદા શાકભાજી વેચીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા.

commonwealth games sports news sports punjab Bharat india