ગ્લાસગોમાં જય હો

25 July, 2026 12:02 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

યજમાન શહેરે નાની પણ શાનદાર ઓપનિંગ સેરેમની યોજી, સ્ટેજ પર હરિયાળી દેખાડીને પર્યાવરણની જાગરૂકતાનો સંદેશ પણ આપ્યો

સ્ટેજ પર હરિયાળી દેખાડીને પર્યાવરણની જાગરૂકતાનો સંદેશ આપ્યો હતો.

ગ્લાસગોના OVO હાઇડ્રો ઇન્ડોર અરીનામાં ૨૩ જુલાઈની મધરાતે કૉમનવેલ્થ ગેમ્સની 23મી આવૃત્તિની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાએ ક્વીન કૅમિલાની હાજરીમાં ગેમ્સ શરૂ કરવાની ઘોષણા કરી હતી. 

૭૪ દેશના ખેલાડીઓની પરેડ દરમ્યાન ભારત તરફથી ઑલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને ઑલિમ્પિક્સ બ્રૉન્ઝ મેડલ વિજેતા બૉક્સર લવલીના બોર્ગોહેને ભારતીય ધ્વજ લહેરાવીને ભારતીય ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું. પ્રોટોકોલ અનુસાર ૧૨૫માંથી અમુક જ ખેલાડી પરેડનો ભાગ બની શક્યા હતા.  
ભારતના પુરુષ ખેલાડીઓએ નેવી બ્લુ સૂટ પહેર્યા હતા, જ્યારે મહિલા ખેલાડીઓએ બ્લુ સાડી અને બ્લેઝર પહેરેલાં હતાં. દર્શકોએ ભારતીય ટુકડીનું તાળીઓના ગડગડાટ અને ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. રંગારંગ કાર્યક્રમ પહેલાં જ દરેક દેશની પરેડ યોજાઈ હતી. પરેડ દરમ્યાન સ્ટેજ પર સ્કૉટલૅન્ડની પ્રાકૃતિક સુંદરતા અને પર્યાવરણની જાગરૂકતાના સંદેશ સાથે છોડ અને ઝાડ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. 

આ સમારોહમાં આધુનિક પૉપ, રૅપ અને ઇલેક્ટ્રૉનિક મ્યુઝિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર દરેક દેશના પરંપરાગત નૃત્યની પણ ઝલક જોવા મળી હતી. ભારતના કેટલાક ડાન્સર્સ ઓપનિંગ સેરેમનીમાં ભરતનાટ્યમ્ કરતા જોવા મળ્યા હતા. 

ગ્લાસગોના યજમાન શહેરે ઓછા ખર્ચે અને કૉમ્પૅક્ટ મૉડલ અપનાવ્યું છે. મોટા ખુલ્લા મેદાનમાં યોજાતી સેરેમનીની પરંપરાથી અલગ થઈને આયોજકોએ ઉદ્ઘાટન સમારોહ સંપૂર્ણપણે ૧૪,૩૦૦ની ક્ષમતાવાળા ઇન્ડોર અરીનામાં યોજ્યો હતો. આવું કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે. 

 મને વિશ્વાસ છે કે આપણા ખેલાડીઓ જોશ, નિશ્ચય અને શાનદાર પ્રદર્શનની ભાવના સાથે રમતોમાં ભાગ લેશે. તેમની કુશળતા અને સમર્પણ હંમેશાં અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

commonwealth games glasgow sports news sports scotland narendra modi