19 June, 2026 09:31 AM IST | Lisbon | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલના સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની ફુટબૉલ વર્લ્ડ કપની શરૂઆત નિરાશાજનક રહી છે. વર્લ્ડ રૅન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી પોર્ટુગલની ટીમ સામે ૪૫ નંબરની ટીમ કોંગોએ ૧-૧થી ડ્રૉ મૅચ રમી હતી. વર્ષ ૧૯૭૪ બાદ કોંગોની ટીમ માત્ર બીજી વખત ફુટબૉલ વર્લ્ડ કપમાં રમી રહી છે.
૪૧ વર્ષનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો વર્લ્ડ કપ અને યુરોપિયન ચૅમ્પિયન લીગ જેવી મોટી ટુર્નામેન્ટની છેલ્લી ૧૦ મૅચોમાં ગોલ કરી શક્યો નથી. અગાઉ તે ૨૦૨૨ની ૪ વર્લ્ડ કપ મૅચ અને ૨૦૨૪ની યુરોપિયન ચૅમ્પિયનશિપની પાંચ મૅચમાં ગોલવિહોણો રહ્યો છે.
આ ૧૦ મૅચમાં તેણે ૧૧ વખત ગોલપોસ્ટ તરફ બૉલ ફટકાર્યો છતાં એક પણ ગોલ નહોતો થયો. કોંગો સામેની મૅચમાં રોનાલ્ડો ત્રણ વખત ગોલ કરતાં ચૂકી ગયો હતો.
આટલી ઉંમરે ફુટબૉલ વર્લ્ડ કપ મૅચમાં પહેલી કિક મારીને મૅચની શરૂઆત કરનાર ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો રોનાલ્ડો.
ઇંગ્લૅન્ડે કૅપ્ટન હૅરી કેનના બે ગોલની મદદથી ક્રોએશિયા સામે ૪-૨થી જીત નોંધાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ઘાનાએ સ્ટૉપેજ ટાઇમમાં ૯૫મી મિનિટે ગોલ કરીને પનામા સામે ૧-૦થી જીત મેળવી હતી. કોલંબિયાએ ઉઝબેકિસ્તાન સામે ૩-૧થી શાનદાર જીત મેળવી હતી.
૧૨ ગ્રુપમાં વહેંચાયેલી ૪૮ ટીમોએ પોતાની પ્રારંભિક મૅચ રમી લીધી છે. આ ૨૪ મૅચોમાં ૭૫ ગોલ જોવા મળ્યા. ૯ મૅચ ડ્રો રહી. ૭ વખત એક ખેલાડી દ્વારા મૅચમાં બે-બે ગોલ થયા અને એક માત્ર હૅટ-ટ્રિક એટલે કે ત્રણ ગોલ આર્જેન્ટિનાના લીઅનલ મેસીએ ફટકાર્યા હતા. હમણાં સુધી ત્રણ ખેલાડીઓને રેડ કાર્ડ મળ્યાં છે. ત્રણ વખત ખેલાડીઓએ પોતાની ટીમના ગોલપોસ્ટમાં જ ગોલ કરી દીધા હતા.
છઠ્ઠા દિવસે ૨,૮૧,૨૨૩ લોકોએ સ્ટેડિયમમાં બેસીને ૪ ફુટબૉલ મૅચ નિહાળી હતી. ફુટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ એક દિવસની સૌથી મોટી ભીડનો રેકૉર્ડ હતો. આ દિવસે ૪ મૅચમાં ૧૬ ગોલ થયા હતા જેમાં લીઅનલ મેસી, કિલિયન એમ્બાપ્પે અને અર્લિંગ હાલૅન્ડ જેવા સ્ટાર ખેલાડીઓના શાનદાર ગોલ પણ સામેલ હતા.