20 November, 2025 12:17 PM IST | Willemstad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
માત્ર ૧,૫૬,૧૧૫ની વસ્તી ધરાવતા ડચ કૅરિબયિન આઇલૅન્ડ કુરાકાઓએ આગામી ફુટબૉલ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય કરીને ઇતિહાસ રચી દીધો હતો. એ ફુટબૉલ વર્લ્ડ કપમાં પ્રવેશ કરનાર સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ગઈ કાલે એણે જમૈકા સામેની મૅચ ૦-૦થી ડ્રૉ કરાવીને ગ્રુપ Bમાં ટોચનું સ્થાન મેળવીને ફુટબૉલ મહાકુંભમાં પ્રથમ વખત પ્રવેશ કરી લીધો હતો. કુરાકાઓ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં એક પણ મૅચ હાર્યું નહોતું.
કુરાકાઓએ આ સાથે આઇસલૅન્ડનો રેકૉર્ડ તોડ્યો હતો. ૩,૫૦,૦૦૦ના વસ્તીવાળા આઇસલૅન્ડે ૨૦૧૮માં રશિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
કુરાકાઓ હેડ કોચ ડિક ઍડ્વોકેટની ગેરહાજરીમાં આ નિર્ણાયક મૅચમાં મેદાનમાં ઊતર્યું હતું. કોચ પર્સનલ કારણોસર તેમના દેશ નેધરલૅન્ડ ચાલ્યા ગયા હતા.
કોચ ડિક ઍડેવોકેટે પણ ફુટબૉલ વર્લ્ડ કપમાં કુરાકાઓને પ્રવેશ કરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ૭૮ વર્ષના ઍડ્વોકેટ સૌથી મોટી ઉંમરના કોચ બની ગયા છે. તેમણે ગ્રીસના કોચનો ૭૧ વર્ષ અને ૩૧૭ દિવસનો રેકૉર્ડ તોડ્યો હતો.